Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, ગુજરાત પથદર્શકની ભૂમિકામાં છે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન જી-સ્વાન, ઈ ગ્રામ-વિશ્વ ગ્રામ, જનસેવા કેન્દ્રો જેવી પહેલનો મારો અનુભવ જ રાષ્ટ્રીય કક્ષાએ 'ડિજિટલ ઇન્ડિયા'નો આધાર બન્યો: ટેકનોલોજી આધારિત નૂતન ભારતના દાયકા માટે ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ - 2022નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શુભારંભ: ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષમાં કરેલી ડિજિટલ પહેલનો અનુભવ 'ડિજિટલ 'નો આધાર બન્યો છે, "ધન્યવાદ ગુજરાત..!" : ગુજરાતનો આભાર માનતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, 'ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, અને મને બેવડી ખુશી છે કે ગુજરાત એમાં પણ પથદર્શકની ભૂમિકા ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં “ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ – ૨૦૨૨”ના શુભારંભ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા ૧૩ વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર(જી.એસ.ડી.સી.)શરૂ કરનાર પ્રથમ રાજ્ય હતું. જી-સ્વાન, ઈ ગ્રામ-વિશ્વ ગ્રામ, જનસેવા કેન્દ્રો જેવી પહેલ ગુજરાતે કરી હતી. વર્ષ ૨૦૧૪ પછી રાષ્ટ્રીય કક્ષાએ મારો આ જ અનુભવ 'ડિજિટલ ઇન્ડિયા'નો આધાર બન્યો છે. 'ધન્યવાદ ગુજરાત..!' એમ કહીને તેમણે આ માટે ગુજરાતનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાએ સરકારને નાગરિકોના ગામમાં, ઘરમાં અને ઘરના દરવાજે જ નહીં; લોકોની હથેળીઓમાં મૂકી દીધી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ફિન-ટેક, ડેટા સિક્યોરિટી અને નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ગિફ્ટ સિટી ભારતની આન-બાન-શાન બનશે.
તેમણે કહ્યું હતું કે, 'મેક ઇન ઇન્ડિયા'ની શક્તિ અને ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી ભારત ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦ ને નવી ઊંચાઈએ લઈ જશે. નવા સંકલ્પો, નવી આશા-આકાંક્ષાઓથી ડિજિટલ ભારત આધુનિક, સમૃદ્ધ અને સશક્ત ભારત બનશે. ભારતના યુવાનોમાં સામર્થ્ય છે, તેમને માત્ર અવસર જોઈએ છે. આજે ભારતમાં એવી સરકાર છે જેના પર દેશની જનતાને, નવયુવાનોને ભરોસો છે. આ સરકાર યુવાનોને અવસર આપી રહી છે અને એટલે જ આપણો દેશ અભૂતપૂર્વ તાકાત સાથે અનેક દિશાઓમાં આગળ વધી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી, સમય તેને પાછળ છોડીને આગળ વધે છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ભારત આનો શિકાર બન્યું હતું. પરંતુ આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી ૪.૦ માં વિશ્વભરમાં અગ્રેસર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર માનવજીવન માટે ટેકનોલોજીનો ઉપયોગ કેટલો ક્રાંતિકારી છે તેનું ઉદાહરણ ભારતે ‘ડિજિટલ ઇન્ડિયા અભિયાન’ના રૂપમાં સમગ્ર વિશ્વની સામે મૂક્યું છે. આઠ વર્ષ પહેલાં શરૂ થયેલું આ અભિયાન બદલાતા સમય સાથે ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
૮-૧૦ વર્ષ પહેલાંની પરિસ્થિતિને યાદ કરાવી વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે જન્મ પ્રમાણપત્ર લેવા માટેની લાઇન, જો તમે બિલ ભરવા માંગો છો તો પણ લાઇન, રાશનની લાઇન, પ્રવેશ માટે લાઇન, પરિણામ અને પ્રમાણપત્ર માટે લાઇન, બેંકોમાં લાઈનો, જ્યાં જુઓ ત્યાં કોઈ પણ કામ માટે લાઇનમાં ઊભા રહેવું પડતું, પણ આજે ભારતે ટેકનોલૉજીના ઉપયોગ થકી ડિજિટલ બની ‘લાઇન’થી  ‘ઓનલાઈન’ થઈને સમસ્યાઓ ઉકેલી છે. જન્મના પ્રમાણપત્રથી માંડીને સિનિયર સિટિઝનોના પેન્શન માટે હયાતીના પ્રમાણપત્ર સહિતની તમામ સેવાઓ ઓનલાઇન થતાં આજે  સમય અને શક્તિનો બચાવ થયો છે.
આજે ટેક્નોલૉજીના જનધન-આધાર-મોબાઇલ (JAM) થકી જે કામ માટે અનેક દિવસો લાગતાં એ કામ મિનિટોમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે થતાં કરોડો પરિવારોના સમય અને નાણાંનો બચાવ થઈ રહ્યો છે. આઠ વર્ષ પહેલાં ઇન્ટરનેટની સુવિધાઓ સીમિત હતી, આપણા ડિજિટલ ઇન્ડિયાના મંત્ર થકી નજીવી કિંમતે ઇન્ટરનેટ ઉપલબ્ધ છે.
વડાપ્રધાનએ ઉમેર્યું કે, લાઇટ બિલ, બેંકનાં કામો, સરકારી કચેરીના કામો તથા અન્ય સરકારી સેવાઓના લાભ લેવા માટે ગ્રામજનોને શહેર સુધી આવવું પડતું હતું, તેના નિરાકરણ માટે અમે છેલ્લાં આઠ વર્ષમાં દેશભરમાં ચાર લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત કરી દીધા છે. જેના પરિણામે આ તમામ સુવિધાઓ ગરીબ પરિવારોને ગ્રામ્ય કક્ષાએ જ મળતા, સમય અને નાણાંની બચત તો થઈ જ છે, સાથે-સાથે અનેક યુવાનોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ બની છે. આ અંગે વડાપ્રધાનશ્રીએ દાહોદના દિવ્યાંગ દંપતીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, દાહોદના એક નાના આદિવાસી ગામડામાં આ દંપતીએ મુદ્રા યોજનાનો લાભ લઈને આવું કોમન સર્વિસ સેન્ટર શરૂ કર્યું. જેના થકી આજે તેઓ પ્રતિ માસ ૨૮ હજાર રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે.
વડાપ્રધાનએ ઉમેર્યું કે, રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇનું વિશાળ નેટવર્ક છે. જે અનેક મુસાફરો ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારનાં બાળકો આ સુવિધાનો ઉપયોગ કરીને શિક્ષણ સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા છે. આ સાથે જ રેલવે સ્ટેશન કે અન્ય જગ્યાઓ પર માતા-પિતા અને પરિવારથી વિખૂટા પડેલાં આશરે ૫૦૦થી વધુ બાળકોનું આધાર જેવી ડિજિટલ આઇડેન્ટિટીના માધ્યમથી તેમના પરિવારો સાથે પુનર્મિલન શક્ય બન્યું છે.
વિધવા બહેનોને પેન્શનની સુવિધા પૂરી પાડવા માટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રીકાળમાં કરેલી પહેલની વાત કરતાં કહ્યું કે, આવી બહેનોને મળતું પેન્શન વચેટિયા ખાઇ જતા હતા, જેના બદલે આ તમામ ગંગાસ્વરૂપા બહેનોના ખાતા પોસ્ટ ઑફિસમાં ખોલાવીને પેન્શન સીધું જ તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરાવતા અનેક બહેનોને ખરા અર્થમાં આ યોજનાનો લાભ મળતો થયો અને આનાથી પ્રેરાઈને જ મેં વર્ષ ૨૦૧૫માં સમગ્ર દેશમાં લાભાર્થીઓના નાણાં સીધા જ તેમના બેંકખાતામાં જમા થાય એ માટે DBTનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ, છેલ્લાં ૮ વર્ષમાં DBT દ્વારા ૨૩ લાખ કરોડથી વધુ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીના કારણે દેશના ૨,૨૩,૦૦૦ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં ડિજિટલ ઈન્ડિયાએ જે સંભાવનાઓ ઊભી કરી છે તેનાથી ૧૦૦ વર્ષમાં ન આવી હોય તેવી વૈશ્વિક મહામારી કોરોના સામે લડવામાં આપણને ઘણી મદદ મળી છે. જેનું ઉદાહરણ આરોગ્ય સેતુ એપ અને કોવિન હેલ્પલાઇન છે. તેમણે જણાવ્યું કે, કોવિડ દરમિયાન ગરીબ પરિવારોને સહાયરૂપ થવા માટે અમે એક ક્લિક પર દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોના બેંક ખાતામાં હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. એટલું જ નહીં, આશરે ૮૦ કરોડથી વધુ દેશવાસીઓને ‘વન નેશન-વન રાશન કાર્ડ’ની યોજના અંતર્ગત મફત રાશન વિતરણ સુનિશ્ચિત કર્યું છે. આ જ પ્રકારે અમે વિશ્વનો સૌથી મોટો અને સૌથી કાર્યક્ષમ કોવિડ રસીકરણ અને કોવિડ રાહત કાર્યક્રમ ચલાવ્યો. જેના કારણે આજે કોઈ પણ નાગરિક વેક્સિનેશન કરાવીને સેન્ટરની બહાર આવે કે તરત તેના મોબાઇલ પર વેક્સિનેશનનું સર્ટિફિકેટ આવી જાય છે. આ પ્રકારે દેશના આશરે ૨૦૦ કરોડ નાગરિકોના વેક્સિનેશનનો સંપૂર્ણ રેકર્ડ કોવિન હેલ્પલાઇન પર સુરક્ષિત છે. જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે.
વડાપ્રધાનએ જણાવ્યું કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્નોલૉજી થકી તમામ કામગીરી અત્યંત ઝડપી અને સરળ બની રહી છે. જેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, અમારી સરકારે પીએમ સ્વામિત્વ યોજના કાર્યરત કરી છે. જેના થકી શહેરની જેમ જ ગામડાંઓમાં પણ જમીન અને મકાનોના મેપિંગના ડિજિટલ રેકોર્ડની કામગીરી ડ્રોન દ્વારા કરીને ગ્રામ્યસ્તરે આ સુવિધાઓ ઝડપથી પૂરી પાડવામાં આવી રહી છે.
આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆર-વીઆર, રોબોટિક્સ, ગ્રીન એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રો માટે આશરે ૧૦૦થી વધુ સ્કિલ ડેવલોપમેન્ટના કોર્સ ચાલી રહ્યા છે. જેના પરિણામે આગામી પાંચ વર્ષમાં ૧૫ લાખથી વધુ યુવાનોને રોજગારીના લાભ મળશે. સાથે સાથે દેશની ૧૦ હજારથી વધુ અટલ ટિન્કરિંગ લેબમાં ૭૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ દુનિયાની મોટી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ ટેક્નોલૉજી પર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે.
પીએમજીદિશા-પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત ૪૦ હજારથી વધુ સેન્ટરો કાર્યરત કરીને પાંચ કરોડથી વધુ યુવાઓનું ડિજિટલ સશક્તીકરણ કરવામાં આવ્યું છે. પરિણામે, સ્પેસ, રિફોર્મ, ગેમિંગ, ડ્રોન, એનિમેશન-ઇનોવેશન માટેના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. IN-SPACE અને નવી ડ્રોન નીતિ જેવી જોગવાઈઓ આગામી દશકામાં ભારતના વિકાસ માટે નવી દિશા ખોલશે અને ટેક પોટેન્શિયલને નવી ઊર્જા પૂરી પાડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, આજે ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવાની દિશામાં અગ્રેસર છે. આજે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન વધારવા ભારતમાં ઝડપથી રોકાણ વધી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપ આગામી ત્રણ-ચાર વર્ષમાં દેશના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને ૩૦૦ બિલિયન ડોલરથી વધુ લઈ જવાના લક્ષ્ય પર અમે કામ કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની દિશામાં ગુજરાત મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતના અમૃતકાળ દરમિયાન વિકાસનો મુખ્ય આધાર ડિજિટલ ટેકનોલોજી બનવાની છે ત્યારે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત દેશની ડિજીટલ ક્રાંતિમાં પણ અગ્રેસર રાજ્યની ભૂમિકા અદા કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ડિજીટલ ઇન્ડીયા વીક-૨૦૨૨નો ગુજરાતની ધરતી પરથી શુભારંભ તેમજ ગુજરાતે સતત ત્રીજા વર્ષે સ્ટાર્ટ અપ ઇન્ડિયા રેન્કિંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તે બન્ને ઘટનાને ગૌરવપૂર્ણ ગણાવી મુખ્યમંત્રીશ્રીએ આ બાબતોનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો.
મુખ્યમંત્રીએ આ તકે કહ્યું કે, ૨૦૧૪ પહેલા દેશમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધાઓ હતી જ, પરંતુ ડિજિટલ ઇન્ડિયાના નિર્માણનો વિચાર માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવ્યો, દેશનું શાસન દાયિત્વ સંભાળ્યાના એક જ વર્ષમાં તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું.
મુખ્યમંત્રીશ્રી વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે અનેક ડિજિટલ પહેલ અને ઈ-ગવર્નન્સ પદ્ધતિઓ સફળતાપૂર્વક અમલી બનાવી છે. ડિજિટલ ટેકનોલોજીએ પ્લાનિંગ, ઈમ્પલિમેન્ટેશન અને ફીડબેકની એક આખી સાઇકલ ઘડી આપી છે, જેને પરિણામે સરકારને સમય અનુરૂપ બદલાવ લાવવાની દિશા મળી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સી.એમ. ડેશબોર્ડના ઉપયોગથી ગુજરાત સરકારે ‘ઈઝ ઓફ ગવર્નન્સ’ સાકાર કર્યું છે. વહીવટી તંત્રની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે સરકારનું તે ત્રીજું નેત્ર બન્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલી IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ને વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડીબીટી માધ્યમથી લાભ-સહાયનું વિતરણ, ઘરબેઠા સરકારી સેવાઓનો લાભ, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ કનેક્ટિવિટી, પેપરલેસ વહીવટ માટે ઈ-સરકાર પ્રોજેક્ટ, ક્રાઈમ પ્રિવેન્શન અને ટ્રાફિક કંટ્રોલ માટે ‘આશ્વસ્થ’ અને ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ, રથયાત્રા દરમિયાન ડિજિટલ સર્વેન્સ જેવી વિવિધ પહેલની વિસ્તૃત છણાવટ કરી હતી. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ અને જી-શાળા દ્વારા વિદ્યાર્થી શિક્ષક વર્ગને થયેલા લાભની વિગતો તેમણે આપી હતી.
કેન્દ્રીય રેલવે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ૭ વર્ષ પહેલાં દેશમાં ડિજિટલ ઇન્ડિયાની યાત્રાનો આરંભ થયો હતો, જેની સફળતાના ૩ મુખ્ય સ્તંભ છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાને તેનો પ્રથમ સ્તંભ ગણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ દેશના યુવાનોની ઊર્જાને દેશની જટીલ સમસ્યાઓના નિરાકરણની દિશામાં ચેનેલાઈઝ કરી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. અગાઉ જ્યારે દેશમાં માત્ર ગણતરીના જ સ્ટાર્ટઅપ હતા તેની સરખામણીએ આજે દેશમાં ૭૩ હજારથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. દેશના વિકાસમાં આ સ્ટાર્ટઅપ્સે લગભગ ૭ લાખ જેટલી રોજગારીનું સર્જન કરીને મહત્વનો ફાળો આપ્યો છે. દેશમાં એક સમયે માત્ર ૩ કે ૪ જેટલા જ યુનિકોર્ન હતા તેની સામે ભારતમાં આજે યુનિકોર્નસનો આંકડો ૧૦૦ને પાર કરી ગયો છે જે સમગ્ર યુરોપ કરતા પણ વધારે છે. જેથી ભારતની ગણના આજે વિશ્વની ૩ સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં થાય છે.
મંત્રીએ ઈ-ગવર્નન્સને ડિજિટલ ઇન્ડિયાનો બીજો સ્તંભ ગણાવતા જણાવ્યું હતું કે, ઈ-ગવર્નન્સ દ્વારા વડાપ્રધાનએ દેશભરમાં નાગરિકલક્ષી વિવિધ સેવાઓને ડિજિટલ માધ્યમથી નાગરિકો સુધી પહોંચાડી એક નવા ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાનએ દેશમાં એક નવુ મોડલ પ્રસ્થાપિત કર્યુ જેમાં વિવિધ પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ બન્યા અને અનેક સ્ટાર્ટઅપ તેમાં જોડાયા. યુ.પી.આઈ. પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યુ કે, ગત મે અને જૂન મહિના દરમિયાન દેશમાં લગભગ ૧૦ લાખ કરોડના યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. વડાપ્રધાન દ્વારા યુ.પી.આઈ.ને દુનિયાભરમાં પહોંચાડવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો, જેના પરિણામ સ્વરૂપ હાલમાં ૩૦ જેટલા દેશો સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે જ્યારે સિંગાપોર, યુ.એ.ઈ. અને ફ્રાંસ એમ આ ત્રણ દેશો સાથે એમ.ઓ.યુ. સાઈન થઇ ગયા છે.
ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને ડીજીટલ ઈન્ડિયાનો ત્રીજો સ્તંભ ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી ૮ વર્ષ પહેલા ખૂબ જ નાની હતી. તેની સામે દેશમાં આજે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી ૭૫ બિલિયન ડોલર એટલે કે લગભગ ૬ લાખ કરોડની બની છે. જેના થકી દેશમાં ૨૫ લાખ જેટલી રોજગારીનું સર્જન થયું છે. વડાપ્રધાનએ દેશમાં આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીને ૩૦૦ બિલિયન યુ.એસ ડોલર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. જેના દ્વારા ભારતનો વિશ્વના ટોપ-૩ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતા દેશોમાં સમાવેશ થશે. આ ઉપરાંત દેશમાં રોજગારીને પણ ૨૫ લાખથી વધારીને ૮૦ લાખ સુધી પહોંચાડવાનો નિર્ધાર છે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કેન્દ્રીય રાજ્ય મંત્રી  રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં શરૂ થયેલા “ડિજિટલ ભારત” અભિયાન થકી દેશભરમાં 'ઈઝ ઓફ લિવિંગ' અને 'ડિજિટલ ગવર્નન્સ' સાકાર થયું છે. ભારત આજે ટેકનોલોજી કન્ઝ્યુમરમાંથી ટેકનોલોજી પ્રોડ્યુસર બન્યો છે. યુપીઆઈ, આધાર, વેબ 3.0 જેવા ટેકનોલોજી પ્લેટફોર્મના માધ્યમથી ભારતને આજે વિશ્વભરથી વિશેષ સન્માન પ્રાપ્ત થઇ રહ્યુ છે. સંશોધન ક્ષેત્રમાં ભારત આજે ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે.
 રાજીવ ચંદ્રશેખરે ઉમેર્યુ કે, ડિજિટલ માધ્યમની ભૂમિકાના કારણે કોરોનાના કપરાં કાળમાં પણ ભારત સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ મેળવવામાં સફળ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આગામી સમયને હવે ટેકનોલોજીનો દસકો ગણાવ્યો છે ત્યારે આજે દેશના દરેક ખૂણે ડિજિટલ સ્કિલ પ્રાપ્ત થઈ રહી છે જેમાં ડિજિટલ ભારતનું મોટું યોગદાન રહ્યું છે.
ટેકનોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ વડાપ્રધાનના હસ્તે દેશવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જેમા ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’,  ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’ સહિતની વિવિધ ડિજિટલ પહેલનો વડાપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
મહાત્મા મંદિર ખાતે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહી, ડિજિટલ સોલ્યુશન્સ લાવી શકાય તે હેતુ ૨૦૦થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ, સંસદ સભ્યઓ, ધારાસભ્યો, આઈ.ટી ક્ષેત્રના નિષ્ણાંતો તેમજ સ્ટાર્ટ અપ ક્ષેત્રે સંકળાયેલા યુવાઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ડિજિટલ ભારતના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:32 pm IST)