Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

શિંદે જૂથના ચીફ વ્હીપ ભરત ગોગાવાલેએ સ્પીકરને પત્ર લખી ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી

વ્હીપનો ભંગ કરનારા તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ આપી:બાળાસાહેબ ઠાકરેના માનમાં આદિત્ય ઠાકરેનું નામ આપવામાં આવ્યું નથી

મહારાષ્ટ્રમાં બગાવત કરનાર  અને શિવસેના વચ્ચે જંગ ચાલી રહ્યો છે. હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના શિવસેનાના ચીફ વ્હીપ ભરત ગોગાવાલેએ સ્પીકરને પત્ર લખીને ઉદ્ધવ ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. ગોગાવલેએ કહ્યું કે અમે વ્હીપનો ભંગ કરનારા તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ આપી છે. બાળાસાહેબ ઠાકરેના માનમાં આદિત્ય ઠાકરેનું નામ આપવામાં આવ્યું નથી.

રવિવારે, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ઠાકરે જૂથના સુનીલ પ્રભુની જગ્યાએ શિંદે કેમ્પના ભરત ગોગાવલેને શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. આ પછી ગોગાવલેએ તમામ ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા અને તેમના પક્ષમાં ઊભા રહેવા માટે વ્હીપ જારી કર્યો હતો.ઉલ્લેખનીય છે  કે શિંદે જૂથનું કહેવું છે કે તે અસલી શિવસેના છે. સાથે જ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી. શિવસેનામાં બળવા પછી પાર્ટીએ શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે 11મી જુલાઈએ સુનાવણી થશે.

ગયા મહિને એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યો હતો. પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો તેમના પક્ષમાં ગયા હતા, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેના રાજીનામાના એક દિવસ બાદ શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. 30 જૂને તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી શિંદેએ આજે ગૃહમાં બહુમત સાબિત કર્યો હતો.

(12:52 am IST)