Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગુજરાત સહિત ૩ રાજ્‍યોમાં કોંગ્રેસ CMનાં ચહેરા વગર ઝંપલાવશે ચૂંટણી જંગમાં

આંતરિક કલહ કારણભૂત

નવી દિલ્‍હી,તા. ૫ : આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્‍યસ્‍ત કોંગ્રેસ પાર્ટીએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. અહેવાલ છે કે પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સામૂહિક નેતૃત્‍વ હેઠળ લડશે. પાર્ટી કોઈપણ રાજય કોંગ્રેસના નેતાને તેના મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે નહીં. બંને રાજયોમાં ભાજપ સાથે પાર્ટીનો સીધો મુકાબલો છે. પાર્ટીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પણ સામૂહિક નેતૃત્‍વ હેઠળ લડવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના સામૂહિક નેતૃત્‍વમાં લડવાના નિર્ણયને પાર્ટીની અંદરના કલહ સાથે જોડવામાં આવી રહ્યો છે. તમામ પ્રયાસો છતાં પણ પક્ષ મતભેદ ખતમ કરવામાં નિષ્‍ફળ રહ્યો છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો પાર્ટી પોતાનો ચહેરો જાહેર કરીને ચૂંટણી લડે છે તો નફા કરતાં નુકસાનનો ડર વધારે છે.

કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાથી દૂર છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૯૯ પર રોકવામાં પાર્ટી સફળ રહી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સંગઠન નબળું પડ્‍યું છે. છેલ્લી ચૂંટણીમાં મહત્‍વની ભૂમિકા ભજવનાર હાર્દિક, કલ્‍પેશ અને જીજ્ઞેશની ત્રિપુટી પણ વિખેરાઈ ગઈ છે. રાજય કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટીમાં જૂથવાદ ચરમસીમા પર છે. ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા અન્‍ય કોઈ નેતાને સાંખી લેવા તૈયાર નથી. આ જ કારણ છે કે પાર્ટીના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ અનેક વખત નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ વિધાનસભા ચૂંટણીની રણનીતિની બ્‍લુ પ્રિન્‍ટ બનાવવી પડી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ઘણી વખત પુનરોચ્‍ચાર કર્યો છે કે પાર્ટી સામૂહિક નેતૃત્‍વ હેઠળ ચૂંટણી લડશે. પાંચ રાજયોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પંજાબ સિવાય અન્‍ય કોઈ રાજયમાં મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા ન હતા, છતાં ઉત્તરાખંડમાં જૂથવાદ ચરમસીમાએ રહ્યો હતો. ખાસ વાત એ છે કે પાર્ટી મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્‍થાનમાં પણ મતભેદનો સામનો કરી રહી છે.

(10:19 am IST)