Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગુજ્જુ મહિલાઓ પતિ સમોવડી : ૫૩.૨% મહિલાઓની આવક પતિ જેટલી

મહિલાઓની રાષ્‍ટ્રીય સરેરાશ ૪૦ ટકાની તુલનાએ ગુજ્જુ મહિલાઓ ૫૩.૨% ટકાઃ ગુજરાતની મહિલાઓ પોતાના પતિ કરતા વધારે અથવા પતિ જેટલી કમાણી કરે છે

નવી દિલ્‍હી તા. ૫ : ગુજરાતની મહિલાઓ પોતાના પતિ કરતાં વધારે અથવા પતિ જેટલી કમાણી કરે છે. જાતિના આધારે આવકમાં તફાવતની વાત હોય ત્‍યારે કોઈ કંપનીના CEOથી માંડીને ખેતરમાં કામ કરતા મજૂરની આવક અંગે નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે (NFHS)-5ના સર્વેમાં જાણવા મળ્‍યું છે કે, દેશના અન્‍ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં મહિલાઓ પોતાના પતિ કરતાં વધુ અથવા પતિ જેટલી જ કમાણી કરે છે.

પતિ કરતાં વધુ અથવા પતિના સમાન આવક ધરાવતી મહિલાઓની રાષ્ટ્રીય સરેરાશ ૩૯.૯ ટકા છે. જયારે પતિ જેટલી અથવા પતિ કરતાં વધુ આવક ધરાવનાર ગુજ્જુ મહિલાઓ ૫૩.૨ ટકા છે. ગુજરાતની ૫૩.૨ ટકા મહિલાઓએ જણાવ્‍યું હતું કે, તેમની આવક તેના પતિ કરતાં વધારે છે અથવા તેમના પતિ જેટલી આવક છે. ૨૦૧૫-૧૬માં હાથ ધરાયેલા NFHS-4ના સર્વેની સરખામણીએ આ આંકડો ૪૩.૫ ટકા વધ્‍યો છે. ૨૦૧૯માં હાથ ધરાયેલા સર્વેમાં ગુજરાતમાં ૨૯,૩૬૮ મકાનોને આવરી લેવામાં આવ્‍યા હતા અને ૨૯,૪૬૮ ઘરની ૩૩,૩૪૩ મહિલાઓએ ભાગ લીધો હતો. આ સર્વેમાં ભાગ લેનાર મહિલાઓ પૈકી ૩૮.૨ ટકા મહિલાઓએ જણાવ્‍યું હતું કે, તેઓ નોકરી કરે છે. નોકરી કરનાર મહિલાઓ પૈકી ૭૮.૬ ટકા મહિલાઓએ જણાવ્‍યું હતું કે,તેમણે નાણાં ચૂકવીને નોકરી મેળવી હતી અને પગાર- નાણાં મળે છે જયારે બાકીની મહિલાઓને અન્‍ય સ્‍વરૂપમાં વળતર - પગાર ચૂકવાય છે. ભારતમાં હાથ ધરાયેલા NHFS સર્વેમાં ભાગ લેનાર સૌથી વધુ મહિલાઓ કેન્‍દ્ર શાસિત પ્રદેશ - દીવ, દમણ અને દાદરા નગર હવેલીની (૫૯.૯ ટકા) હતી. આ મહિલાઓ તેના પતિ કરતાં વધુ અથવા તેમના પતિ જેટલી આવક- પગાર મેળવે છે.

(10:28 am IST)