Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભારતમાં જૂન માસમાં સોનાની આયાતમાં ત્રણ ગણી વૃધ્ધિ

જૂન મહિનામાં ૪૯ ટન સોનાની આયાત થઇ : રકમની રીતે જોઇએ તો જૂન મહિનામાં ૨.૬૧ અબજ ડોલરની મૂલ્યના સોનાની આયાત કરાઇ છે જ્યારે વર્ષ પૂર્વે ૯૬.૯ કરોડ ડોલરની પીળી કિંમતી ધાતુની આયાત થઇ હતી

મુંબઇ, તા.૦૫ : ભારતમાં સોનાની આયાતમાં જૂન મહિનામાં ત્રણ ગણી વૃદ્ધિ થઇ છે. આંકડાઓ મુજબ જૂન મહિનામાં ૪૯ ટન સોનાની આયાત થઇ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં પીળી કિંમતી ધાતુની આયાત ૧૭ ટન રહી હતી.

રકમની રીતે જોઇએ તો જૂન મહિનામાં ૨.૬૧ અબજ ડોલરની મૂલ્યના સોનાની આયાત કરાઇ છે જ્યારે વર્ષ પૂર્વે ૯૬.૯ કરોડ ડોલરની પીળી કિંમતી ધાતુની આયાત થઇ હતી. અલબત્ત કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિના દરમિયાન ભારતમાં સોનાની વર્ષ પૂર્વેના ૪૯૩ ટનની સામે ઘટીને ૩૩૫ ટન નોંધાઇ છે.

બુલિયન બજારના વિશ્લેષકોનું કહેવુ છે કે, આયાતમાં ત્રણ ગણી વૃદ્ધિનું કારણ સોનાના ભાવમાં ઘટાડો અને લગ્ન અને તહેવારો દરમિયાન જોરદાર વેચાણ બાદ જ્વેલર્સ દ્વારા ઇન્વેન્ટરી ઉભી કરવી છે. નોંધનીય છે કે, જૂન મહિનામાં ભારતની વેપાર ખાધ ૨૫.૬ અબજ ડોલરની નવી ઐતિહાસિક ટોચે પહોંચી ગઇ છે, જે ક્રૂડ અને સોનાની વધેલી આયાતને આભારી છે. સોનાની વધતી આયાતથી રૃપિયાના મૂલ્ય અને રાજકોષીય ખાધ પર દબાણ વધ્યુ છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ એપ્રિલના મધ્યમાં રૃ. ૫૩,૦૦૦ને સ્પર્શ્યા બાદ જૂનમાં મહદંશે રૃ. ૫૧,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ રહ્યા છે. 

વેપાર ખાધને અંકુશમાં રાખવા અને રૃપિયાને ઘટતો રોકવા સરકાર સોનાની આયાતને રોકવા માંગે છે. તેની માટે સરકારે ૧ જુલાઇએ સોનાની બેઝિક ઇમ્પોર્ટ ડ્યૂટી ૭.૫ ટકાથી પાંચ ટકા વધીને ૧૨.૫ ટકા કરી છે.

 ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વૃદ્ધિથી સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૩થી ૫ ટકા વધ્યા છે. સરકારના નવા નિર્ણયથી સોનાની રિટેલ ઘરાકી ઘટવાની અને દેશમાં સોનાની દાણચોરીનું દૂષણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

 

(7:50 pm IST)