Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સુરતના અગ્રણી હીરા ઉદ્યોગકારની સોશિયલ મીડિયામાં જાહેરાત

ઉદ્યોગપતિ સવજી ધોળકિયાની મહિલા હોકી ટીમને કાર અને ઘર આપવાની જાહેરાત

ભારતીય ટીમ મેડલ જીતશે તો ઘર લેવા ૧૧ લાખ અને કાર લેવા ૫ લાખ આપશે

સુરત,તા. ૪ : સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ વિમેન્સ હોકી ટીમના સભ્યને કાર અને ઘર આપવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જાહેરાત કરતા આ પોસ્ટ વાઇરલ થઇ છે. ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડેલ જીતશે તો દરેક ખેલાડીને ઘર લેવા અગિયાર લાખ અને કાર લેવા પાંચ લાખ ઇનામ આપશે.

સુરતના જાણીતા હીરાઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ ભારતીય મહિલા હોકી ટીમને બિરદાવવા માટે ઇનામની જાહેરાત કરી છે. ટોકયો ઓલિમ્પિકમાં મહિલા ટીમ મેડલ જીતશે તો ટીમના દરેક સભ્યને કાર અને ઘર ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જાહેરાત કરી છે.

જાહેરાત અનુસાર જો મહિલા હોકી ખેલાડીઓ મેડલ જીતશે તો જે ખેલાડીઓ પાસે ઘર નથી તેવા ખેલાડીને રૂ.૧૧ લાખ ઘર ખરીદવા માટે મદદ કરવામાં આવશે. અને જે મહિલા ખેલાડી પાસે ઘર હશે તેને પાંચ લાખ રૂપિયાની કાર ભેટમાં આપવામાં આવશે. આમ, તેમણે મહિલા હોકી ટીમને પ્રોત્સાહન અને મહિલા સશકિતકરણ માટે જાહેરાત કરી છે.

ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓએ ઇતિહાસ રચી દીધો છે. પહેલીવાર ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. ખેલાડીઓનો જુસ્સો વધે તે માટે સવજીભાઇ પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય મહિલા ટીમે કવાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર આપણી ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. (૨૨.૬)

ભૂતકાળમાં રત્નકલાકારોને કાર અને ફલેટ આપી લાઇમલાઇટમાં આવ્યા હતા

સવજીભાઇ ધોળકિયા ભૂતકાળમાં રત્નકલાકારોને કાર અને ફ્લેટ ભેટમાં આપી લાઇમલાઇટમાં આવ્યા હતા. તેમણે હરિક્રિષ્ના જેમ્સના કારીગરોને દિવાળી બોેનસ પેટે કાર અને ફ્લેટ આપ્યાં હતાં.

ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓની હાલત દયનીય છે

હરિક્રિષ્ના એકસપોર્ટના સૂત્રએ જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂ ઘરમાં જમીન પર બેસીને ભોજન કરે છે. ભારતના ઓલિમ્પિક ખેલાડીઓની હાલત દયનીય છે, તેથી આપણે ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે મદદ કરવી જોઇએ. તેથી, સવજીભાઇએ વિમેન્સ હોકી ખેલાડીઓને ઇનામની જાહેરાત કરી હતી.

(10:25 am IST)