Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પેપ્સિકોઅ ટ્રોપિકાના અને અન્ય જ્યુસનો કારોબાર ૩.૩ અબજ ડોલરમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સને વેચ્યો

પીએઆઇ પાર્ટનર્સ સાથે રચાયેલા સંયુક્ત સાહસમાં ન્યૂયોર્કની આ કંપની ૩૯ ટકા નોન-કંટ્રોલિંગ હિસ્સો ધરાવતી હશે

ન્યૂયોર્કઃ પેપ્સિકોઅ ટ્રોપિકાના અને અન્ય જ્યુસનો કારોબાર ૩.૩ અબજ ડોલરમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સને વેચી દીધો છે. પીએઆઇ પાર્ટનર્સ સાથે રચાયેલા સંયુક્ત સાહસમાં ન્યૂયોર્કની આ કંપની ૩૯ ટકા નોન-કંટ્રોલિંગ હિસ્સો ધરાવતી હશે. જ્યુસનો કારોબાર ૨૦૦૦ના દાયકાથી જ ઘટવા માંડયો હતો. લો-કેલરી ડાયેટની લોકપ્રિયતા વધતા જ્યુસનો કારોબાર ઘટવા લાગ્યો હતો. આ ટ્રેન્ડ સતત જારી રહેતા લોકોએ લો-કેલરી ડ્રિન્ક્સ પીવાના બદલે પીવાના પાણીને પ્રાધાન્ય આપવા માંડયું હતું. અમેરિકામાં જ્યુસનો કારોબાર 2003માં 4.2 અબજ ગેલનની ટોચે પહોંચ્યો હતો, પરંતુ ૨૦૧૭માં તે ઘટીને ૩ અબજ ગેલન થઈ ગયો હતો.

બેવરેજ માર્કેટિંગ કોર્પના મેનેજિંગ પાર્ટનર બ્રાયન સુન્ડોનું માનવું છે કે ગુ્રપને હવે આ ટ્રેન્ડમાં ફેરફાર થાય તેમ લાગતું નથી.

જો કે જ્યુસના કારોબારે પેપ્સિકોને ગયા વર્ષે ૩ અબજ ડોલરની આવક રળી આપી હતી, પરંતુ તેના કાર્યકારી નફા માર્જિન તેના કુલ નફા માર્જિન કરતાં નીચા હતા. પેપ્સિકોના ચેરમેન અને સીઇઓ રેમોન લાગુર્ટાએ જણાવ્યું હતું કે આ ડીલના લીધે અમને વૈવિધ્યસભર ઓફરિંગ કરતા અમારા વર્તમાન પોર્ટફોલિયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે. તેમા આરોગ્યપ્રદ નાસ્તા, ઝીરો કેલરી પીણા, સોડા સ્ટ્રીમ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

પેપ્સિકોએ 1998માં ટ્રોપિકાના ખરીદી હતી અને મંગળવારે કરાયેલા વેચાણમાં આ જ્યુસ બ્રાન્ડ તેનો હિસ્સો હતી. કંપનીએ 2018માં સોડાસ્ટ્રીમ ત્રણ અબજ ડોલરથી વધુ રકમમાં ખરીદી હતી. સોડાસ્ટ્રીમ કાર્બોનેટેડ ડ્રિન્ક મશીન કંપની છે. ન્યૂયોર્ક સ્થિત પેપ્સિકો પાસે યુરોપમાં જ્યુસનો અમુક કારોબાર વેચવાનો વિકલ્પ છે. આ સોદો આ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષના પ્રારંભ સુધીમાં પૂરો થાય તેમ મનાય છે.

(12:29 am IST)