Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

૪૬૭ કરોડની હેરાફેરીનો આરોપઃ ઈડીએ અવંતા ગ્રુપના ગૌતમ થાપરની કરી ધરપકડ

થાપર ઉપર સંખ્યાબંધ આરોપોઃ તાજેતરમાં ઈડીએ દરોડો પણ પાડયા હતા

નવી દિલ્હી, તા. ૪ :. ઈડીએ મની લોન્ડ્રીંગ કેસમાં બીઝનેશમેન અને અવંતા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. તાજેતરમાં ઈડીએ આ કેસમાં દિલ્હી અને મુંબઈમાં અવંતા ગ્રુપ અને થાપર સહિત તેમના અનેક વરીષ્ઠ અધિકારીઓને ત્યાં દરોડો પાડયા હતા તે પછી થાપરની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

થાપર ઉપર બેન્ક ફંડનો દુરૂપયોગ કરવા, સંબંધીત પક્ષો સાથે બોગસ લેવડ-દેવડ, ખોટી રીતે બેન્કમાંથી લોન લેવા, નકલી વાઉચર અને નાણાકીય વિગતો આપવા, આપરાધીક ષડયંત્ર અને છેતરપીંડીનો આરોપ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ ગૌતમ થાપર અને તેની કંપની તથા સાથીઓ વિરૂદ્ધ બે કેસ નોંધ્યા છે. જેમાંથી એક કેસ યશ બેન્ક સાથે ૪૬૭ કરોડની હેરાફેરીનો છે. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે યશ બેન્કના પૂર્વ વડા રાણા કપુરે અવંતા રીયાલીટી પાસેથી બજારથી ઘણી ઓછી કિંમત પર સંપત્તિ તરીકે લાંચ લીધી હતી. આરોપ છે કે રાણા કપુરે આ લાંચ થાપરની કંપનીને લોેન ચૂકવવામાં યશ બેન્ક પાસેથી મુદત મળે તે માટે લીધી હતી. આ સંપત્તિની માર્કેટ વેલ્યુ ૬૮૫ કરોડ છે.

થાપર પર બીજો કેસ એસબીઆઈની ફરીયાદ પર નોંધવામાં આવેલ છે. જેમાં ૨૪૩૫ કરોડની છેતરપીંડીનો મામલો છે.

થાપરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. ઈડી થાપરની કંપની અને યશ બેન્કના સ્થાપક રાણા કપુર અને તેમની પત્નિ વચ્ચે કથીત લેવડ-દેવડની તપાસ કરી રહેલ છે.

(10:27 am IST)