Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વેલડન..... લવલીના બોરગોહેન... શુભેચ્છાઓનો વરસાદ

બોકસર લવલીનાનું ગોલ્ડનું સપનું તૂટયું, બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો

સેમી ફાઇનલ મુકાબલામાં તૂર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાલ સુરમેનેલી સામે ૦-૫થી મેચ હારી, પણ દેશવાસીઓનું દિલ જીત્યું

નવી દિલ્હીઃ બોકસર લવલીના બોરગોહેન  ટોક્યો ઓલ્પિકમાં ઈતિહાસ રચવાની ચૂકી ગઈ છે. લવલીનાને ૬૯ કિલોગ્રામ વર્ગની સેમીફાઇનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી   સામે ૦-૫થી હારનો કરવો પડ્યો છે.

આસામની ૨૩ વર્ષીય લવલીના બોકિંસગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ત્રીજી ભારતીય ખેલાડી છે. તેના પહેલા વિજેન્દર સિંહ (બીજિંગ ઓલમ્પિક ૨૦૦૮) અને એમસી મૈરી કોમ (લંડન ઓલમ્પિક ૨૦૧૨) બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. સેમીફાઇનલમાં લવલીના વર્લ્ડ ચેમ્પિયનની વિરુદ્ધ એક વાર પણ લયમાં ન જોવા મળી. પહેલા અને બીજા રાઉન્ડમાં પાંચેય જજોએ બુસેનાઝ સુરમેનેલીને ૧૦માંથી ૧૦ પોઇન્ટ આપ્યા. લવલીનાનું પ્રદર્શન ત્રીજા રાઉન્ડમાં વધુ ખરાબ રહ્યું. તેને ત્રણેય જજોએ ૯ પોઇન્ટ, જ્યારે બે જજોએ માત્ર ૮-૮ પોઇન્ટ આપ્યા. જોકે, લવલીના પહેલીવાર ઓલમ્પિકમાં ભાગ લઈ રહી છે. એવામાં તેનું બ્રોન્ઝ મેડલ જીતવું કોઈ ગોલ્ડથી કમ નથી.

ઉલ્લેખનીય છે કે, પોતાનો પહેલો ઓલમ્પિક રમી રહેલી લવલીના બોરગોહેન (૬૯ કિલોગ્રામ)એ વર્લ્ડ ચેમ્પિયન ચીની તાઇપેની નિયેન ચિન ચેનને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશની સાથે ટોક્યો ઓલમ્પિકની બોકિંસગ સ્પર્ધામાં ભારતનો મેડલ પાકકો કરી દીધો હતો. આસામની ૨૩ વર્ષીય બોકસરે ૪-૧થી જીત નોંધાવી હતી.

 ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોના સંક્રમણની શિકાર થયેલી લવલીના યૂરોપમાં અભ્યાસ પ્રવાસ પર નહોતી જઈ શકી. આસામના ગોલાઘાટ જિલ્લાની લવલીનાએ કિક બોકસર તરીકે શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ભારતીય ખેલ પ્રાધિકરણના પદમ બારોએ તેની પ્રતિભાને ઓળખી. તેમણે બોકિંસગમાં તેનો પ્રવેશ કરાવ્યો અને પોતાના પહેલા જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૧૮માં બ્રોન્ઝ મેડલ જીત્યો. બીજા વર્ષે ફરી તેને પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું. ભારતને આ પહેલા ઓલમ્પિક બોકિંસગમાં વિજેન્દર સિંહ (૨૦૦૮) અને એમસી મૈરી કોમ (૨૦૧૨)એ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

(3:14 pm IST)