Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ન્યુયોર્કના ગવર્નરે ૧૧ મહિલાઓનું કર્યુ યૌન શોષણ

હોદ્દા પરથી રાજીનામુ આપવું જોઇએઃ બાઇડન

વોશીંગ્ટન, તા.૪: અમેરિકામાં ન્યુયોર્કના ગવર્નર એંડ્રયુ કુમો હવે ચારે બાજુથી ઘેરાતા જાય છે. તપાસમાં ખુલાસો થયો છે કે તેમણે ૧૧ મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યુ હતું, જેમાંથી કેટલીક રાજય સરકારની ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને મંગળવારે કહયું કે ન્યુયોર્કના ગવર્નર કુમોએ રાજયના એટર્ની જનરલનો એક રીપોર્ટ આવ્યા પછી રાજીનામુ આપી દેવું જોઇએ, જેમાં કહેવાયું છે કે ડેમોક્રેટીક ગર્વનરે ૧૧ મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યુ હતું.

ન્યુયોર્કની એટર્ની જનરલ લેટીશીયા જેમ્સે મંગળવારે ન્યુયોર્કના ગવર્નર એંડ્રયુ કુમો વિરૂધ્ધ પોતાના તથ્યો જાહેર કર્યા. એટર્ની જનરલ અનુસાર, સ્વતંત્ર તપાસકર્તાઓ દ્વારા કરાયેલી કુમોએ રાજય અને સરકારના નિયમો પણ તોડયા છે.

એટલું જ નહીં, એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ ઓફિસ બાબતે ફરિયાદ કરી હતી પણ કુમોએ એ મહિલા સામે કાર્યવાહી કરી હતી. ગર્વનરની ઓફીસના વાતાવરણ અંગે પણ ઘણી ફરિયાદો થઇ હતી.

તપાસ કર્તાઓએ ૨૦૧૩થી ૨૦૨૦ વચ્ચે આ ઓફીસમાં કામ કરનારી ૧૧ મહિલાઓની ફરીયાદોને ધ્યાનમાં લીધી હતી. આ ઉપરાંત ૧૭૯ લોકોની પુછપરછ કરવાની સાથે સાથે હજાર સબૂતો તપાસ્યા હતા. આ સબૂતોમાં ઘણાં મહત્વના દસ્તાવેજો મળ્યા જેને કુમો વિરૂધ્ધ પુરાવા તરીકે રજૂ કરાશે.એટર્ની જનરલ જેમ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગવર્નર કુમોએ આ તમામ મહિલાઓનું યૌન શોષણ કર્યુ, જેમાં ઘણી યુવા મહિલાઓ હતી. તેમણે જણાવ્યું કે કુમોએ મહિલાઓને ખાસ જગ્યાઓએ સ્પર્શ કર્યો હતો. તેમની ઇચ્છા વિરૂધ્ધ તેમને ચુંબન કર્યુ, બાથ ભરી અને ગંદી કોમેન્ટ કરી.

(11:33 am IST)