Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વાણી સ્વાતંત્ર્ય એ લોકશાહીનો મજબૂત પાયો છે : હરિયાણાના મુખ્યમંત્રી વિરુદ્ધ ભાષણ આપનાર ખેડૂત ઉપર રાજદ્રોહનો કેસ કરાયો હતો : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે જામીન મંજુર કર્યા

હરિયાણા :  હરિયાણાના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ ભાષણ આપનાર ખેડૂત દલબીરસિંઘ ઉપર રાજદ્રોહનો કેસ કરાયો હતો. તેમજ ખેડૂતો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાની એફઆઈઆર નોંધાઈ હતી. જેના અનુસંધાને પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટ જસ્ટિસ અવનિશ ઝીંગાએ પિટિશનર દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર કરી હતી.તથા જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ કરવાનો નાગરિકોનો અધિકાર છે.વાણી સ્વાતંત્ર્ય એ લોકશાહીનો મજબૂત પાયો છે .

એફઆઈઆર મુજબ, અરજદારે કથિત રીતે હરિયાણાના મુખ્યમંત્રીને લગતા કેટલાક ભાષણો આપ્યા હતા જેમાં વાંધાજનક નિવેદનો હતા. જે  જાતિ આધારિત વિભાજનમાં પરિણમી શકે તથા રાજ્યની શાંતિ અને સંવાદિતામાં ભંગાણ કરી શકે તેવો આરોપ મુકાયો હતો.જે અંતર્ગત રાજદ્રોહ તથા બે જૂથો વચ્ચે ભંગાણ પડાવવાનો પ્રયાસ કરવાને લગતી કલમ લગાડવામાં આવી હતી.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં ખોટી કલમો લગાડાઇ  છે . અરજદાર ફક્ત વિરોધ કરવાના તેના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. અરજદારને રાજ્યની કામગીરીની ટીકા કરવાનો અધિકાર છે.

ન્યાયાધીશે કેસની યોગ્યતાઓને તપાસવાની અથવા ભાષણોની વિગત  પર વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જે ચર્ચા  ટ્રાયલ કોર્ટની તપાસ માટે છોડી દીધી હતી. તથા આરોપીને આરોપ દીઠ 2 લાખ રૂપિયાના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)