Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

લવલિનાબોરગોહેનએ મેડલ જીતતા તેના ગામના રસ્તાનું સમારકામ શરૂ

આસામની બોક્સર લવલિના બોરગોહેન સ્ટાર બની ગઈ : આસામના ગોલાઘાટની ખેલાડી જાપાન રવાના થઈ તે પહેલાં તેના ઘર સુધીનો રસ્તો બિસમાર હાલતમાં હતો

નવી દિલ્હી, તા.૪ : ભારતને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર આસામની બોક્સર લવલિના બોરગોહેન રાતોરાત સ્ટાર બની ગઈ છે.

અત્યાર સુધી સંઘર્ષ કરીને આગળ આવેલી લવલિના માટે હવે દિવસો બદલાઈ રહ્યા છે. જેમ કે પહેલા તેના ઘર સુધી જવા માટેનો રસ્તો પણ કાચો હતો, હવે મેડલ જિત્યા બાદ રાતોરાત આ રસ્તાનુ સમારકામ શરૂ થઈ ગયુ છે.

આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી લવલિના આસામ તરફથી ઓલિમ્પિકમાં ભાગ લેનાર પહેલી મહિલા ખેલાડી છે. તે જાપાન જવા રવાના થઈ તે પહેલા તેના ઘર સુધી પહોંચતો રસ્તો બિસ્માર હાલતમાં હતો. અહીંયા પાકો રસ્તો બનાવે તેવી કોઈ આશા નહોતી પણ ભારતને બ્રોન્ઝ અપાવ્યા બાદ હવે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો બનાવવાનુ શરૂ કરી દેવાયુ છે. અહીંના ભાજપના ધારાસભ્ય વિશ્વજીત ફુકનના કહેવા પ્રમાણે લવલિનાની ક્વાર્ટર ફાઈનલ જે દિવસે હતી તે દિવસે અહીંયા ભારે વરસાદ પડ્યો હતો અને રસ્તા પર કિચડ થઈ ગયો હતો.એ પછી મેં મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને હવે આ રસ્તાનુ સમારકામ શરૂ ખરી દેવાયુ છે.જે તેના ટોકિયોથી પાછા ફરતા પહેલા પૂરૂ થઈ જશે તેવી આશા છે.

ઉલ્લેખનીય છે કે, લવલીના પણ સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા એક નાના વેપારી છે અને મહિને ૧૩૦૦ રૂપિયા કમાતા હતા પણ આસામથી ઓલિમ્પિક સુધીનો રસ્તો એટલો આસાન નહોતો. ગયા વર્ષે તેની માતાની સર્જરી કરાવવી પડી હતી. લવલિના વિડિયો જોઈને બોક્સિંગ પ્રેક્ટિસ કરતી હતી.

તેણે સેમિફાઈનલમાં હારીને પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. વિજેન્દરસિંહ તેમજ મેરીકોમ બાદ તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતની ત્રીજી બોક્સર બની છે

(7:33 pm IST)