Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ધો. ૬-૮માં વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકાશે

મોદી કેબિનેટે અનેક મહત્વના નિર્ણયો લીધા : રેપ કેસની જલદી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ૨૦૨૩ સુધી હજુ ચાલતી રહેશે, જેમાં ૩૮૧ પોક્સો કોર્ટ સામેલ

નવી દિલ્હી, તા.૪  : કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને સરકારના આ નિર્ણયો અંગે જાણકારી આપી.

કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્ર સરકારે મહિલાઓના રેપ કેસની જલદી સુનાવણી માટે દેશભરમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી હતી. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આ કોર્ટ આગામી બે વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩ સુધી હજુ ચાલતી રહેશે. જેમાં ૩૮૧ પોક્સો કોર્ટ પણ સામેલ છે.  કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સમગ્ર શિક્ષા ૨.૦ હેઠળ પ્લે સ્કૂલ અને આંગણવાડીને ઔપાચરિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે સરકારી શાળાઓમાં પણ પ્લે સ્કૂલ હશે. શિક્ષકોને પણ તે પ્રમાણે તાલીમ અપાશે.

તેમણે જણાવ્યું કે પહેલીવાર સરકારે સમગ્ર શિક્ષણ યોજના હેઠળ બાળ સુરક્ષાને પણ જોડી છે. બાળ અધિકારોના સંરક્ષણનું આયોગ બનાવવા માટે રાજ્યોને સહાયતા આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હવે વ્યવસાયિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે. તેનાથી ધોરણ ૬-૮ ના બાળકોને એક્સપોઝર મળશે. જ્યારે ધોરણ ૯થી ૧૨માં બાળકોમાં કૌશલ વિકાસ પર ભાર મૂકાશે. શાળાઓમાં વધુ આધુનિક કૌશલ સાથે કોડિંગ, એગ્યુમેન્ટેડ અને વર્ચ્યુઅલર રિયાલિટી વગેરે સંલગ્ન ટ્રેનિંગ પ્રોગ્રામ હશે.

(12:00 am IST)