Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

હવે ખાનગી કંપનીઓ પણ આપી શકશે ડ્રાઈવિંગ લાઈસન્સ

માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રાલયે આ અંગે બુધવારે ગાઈડલાઈન જારી કરી : આરટીઓઓ પણ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાનું ચાલુ રાખશે : નવા નિયમોથી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનું સરળ થઈ જશે

નવી દિલ્હી,તા.૫ : સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાના નિયમોને સરળ બનાવી દીધા છે. માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રાલયએ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાના હાલના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, વ્હિકલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશન્સ, નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ અને ખાનગી કંપનીઓને માન્યતા પ્રાપ્ત ટ્રેઈનિંગ સેન્ટર ચલાવી શકશે. પછી તે નિર્ધારિત તાલીમ પૂરી થયા પછી ડ્રાઈવિંગ લાઈસન્સ આપી શકશે.

મંત્રાલય તરફથી આ અંગે બુધવારે ગાઈડલાઈન જારી કરાઈ. તે મુજબ, ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની નવી સુવિધાની સાથે ક્ષેત્રિય પરિવહન કાર્યાલયો (આરટીઓ) દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે.

મંત્રાલયે બે ઓગસ્ટ, ૨૦૨૧એ આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, 'માન્ય સંસ્થાઓ જેમ કે કંપનીઓ, બિન સરકારી સંગઠન, ખાનગી પ્રતિષ્ઠાનો/ઓટોમોબાઈલ એસોસિએશન/વાહન નિર્માતા સંદ્ય/ સ્વતંત્ર બોડી વગેરે ખાનગી વ્હિકલ મેન્યુફેકચર ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટરની માન્યતા માટે અરજી કરી શકશે.'

તે ઉપરાંત સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, માન્ય સંસ્થાઓની પાસે કેન્દ્રીય મોટર વાહન (સીએમવી) નિયમ, ૧૯૮૯ અંતર્ગત નિર્ધારિત જમીન પર જરૂરી માળખું/સુવિધાઓ હોવી જોઈએ. અરજીકર્તાએ સાથે જ રાજય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્ર ચલાવવા માટે પૂરતા સંસાધનોની વ્યવસ્થા કરવાને લઈને પોતાની નાણાકીય ક્ષમતા દર્શાવવાની રહેશે.

કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ, રાજય સરકારોએ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર્સ અને માન્યતા આપનારા તંત્રની જોગવાઈનો પ્રચાર કરવાનો રહેશે. મંત્રાલયે કહ્યું કે, ડીટીસીને માન્યતા આપવાની કામગીરી ડેઝિગ્નેટેડ ઓથોરિટીએ ૬૦ દિવસમાં પૂરી કરવાની રહેશે.

(10:34 am IST)