Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કોરોનાથી અનાથ થયેલા બાળકોને મળશે ૫ લાખ સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ

પ્રીમિયમ PM CARES દ્વારા ચુકવવામાં આવશે

નવી દિલ્હી,તા. ૫ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોવિડ -૧૯ મહામારી વચ્ચે સરકારે ૧૮ વર્ષ સુધીના ચેપને કારણે અનાથ બાળકોને ૫ લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે પ્રીમિયમ PM CARES દ્વારા ચૂકવવામાં આવશે.

અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું હતું કે, 'કોવિડ -૧૯ થી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, ૧૮ વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત હેઠળ ૫ લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે. તેનું પ્રીમિયમ  PM CARES દ્વારા ચૂકવવામાં આવશે. તેમણે ટ્વીટ સાથે એક તસવીર શેર કરી, જેના પર લખ્યું હતું કે ૧૮ વર્ષ સુધીના બાળકો જેમણે સંક્રમણમાં માતા -પિતા ગુમાવ્યા છે તેમને દર મહિને રાહત આપવામાં આવશે.

આ સાથે જ ૨૩ વર્ષની ઉંમરે તેઓને ૧૦ લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. પીએમ મોદીએ ૨૯ મે ૨૦૨૧ ના   રોજ બાળકો માટે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ એવાં બાળકોની મદદ કરવાનો છે કે જેમણે ૧૧ માર્ચ, ૨૦૨૦ થી શરૂ થયેલા સમયગાળા દરમિયાન કોવિડ -૧૯ મહામારીમાં માતા-પિતા અથવા કાયદાકીય રીતે તેમના વાલીઓ બંને ગુમાવ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ બાળકોની વ્યાપક સંભાળ અને તેઓના રક્ષણને સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દ્વારા તેમને સતત મદદ કરવી, આરોગ્ય વીમા દ્વારા તેમની સુખાકારી માટે તેમને ટેકો આપવો કે જેમાં ૨૩ વર્ષની ઉંમર સુધી આર્થિક સહાય આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો સમાવેશ છે.

(10:35 am IST)