Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

આરબીઆઈએ જૂની નોટો ખરીદી કે વેચાણના નામ પર થઈ રહેલી છેતરપિંડી સામે લોકોને ચેતવ્યા

તમને પણ મળી છે જૂની નોટ ખરીદવાની-વેચવાની ઓફર! કંઈપણ કરતા પહેલા આ જાણી લેજો : આરબીઆઈએ એક એલર્ટ જાહેર કરી લોકોને અપીલ કરી છે કે, તે જૂની નોટો અને સિક્કાની ખરીદ-વેચાણની નકલી ઓફર્સની જાળમાં ન આવેઃ બેંકનું કહેવું છે કે, તેના નામ પર કેટલાક લોકો છેતરપિંડી કરી રહ્યા છે

નવી દિલ્હી, તા.૫: ભારતીય રિઝર્વ બેંકે લોકોને જૂની નોટ ખરીદવા કે બદલવાના નામ પર થઈ રહેલી છેતરપિંડી સામે ચેતવણી આપી છે. કેન્દ્રીય બેંકે એક એલર્ટ જાહેર કરી લોકોને અપીલ કરી છે કે જૂની નોટો અને સિક્કાની ખરીદી અને વેચાણની નકલી ઓફર્સની જાળમાં ન ફસાય. બેંકનું કહેવું છે કે, તેના નામ પર કેટલાક લોકો છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ, બેંકને આ મામલાથી કોઈ લેવા-દેવા નથી અને તે કયારેય કોઈની પાસેથી ચાર્જ કે કમિશન નથી માગતી.

કેન્દ્રીય બેંકએ એક નોટિફિકેશનમાં કહ્યું કે, તેના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક શખસો છેતરપિંડીથી આરબીઆઈના નામ/લોગોનો ઉપયોગ કરી લોકો પાસે ચાર્જ/કમિશન/ટેકસની માગ કરી રહ્યા છે. ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમો પર જૂની નોટો અને સિક્કાની ખરીદી અને વેચાણાની બનાવટી ઓફર આપવામાં આવી રહી છે.

આરબીઆઈનું કહેવું છે કે, તે એવા મામલામાં ડીલ નથી કરતી અન કયારેય કોઈ પ્રકારના ચાર્જ/કમિશનની માંગ નથી કરતું. કેન્દ્રીય બેંકે કહ્યું કે, તેણે આ પ્રકારની લેવડ-દેવડ માટે પોતાની તરફથી ચાર્જ/કમિશન લેવા માટે કોઈ સંસ્થા/ફર્મ/વ્યકિતને અધિકૃત કર્યા નથી. બેંકે લોકોને આવા તત્વોથી બચવાની સલાહ આપી છે, જે રૂપિયા પડાવવા માટે નકલી ઓફર્સ દ્વારા ભારતીય રિઝર્વ બેંકના નામનો ઉપયોગ કરી રહ્યા છે.

(11:39 am IST)