Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

SIPમાં થઈ રહ્યો છે નાણાનો વરસાદ

એસઆઈપીનું એયુએમ વધીને ૪.૮૩ લાખ કરોડ થયું : બેંકમાં વ્યાજ દરો તળીયે પહોંચતા રોકાણકારો મ્યુ. ફંડ તરફ વળ્યા

મુંબઈ, તા. ૫ :. રીટેઈલ રોકાણકારોની વધી રહેલી ભાગીદારીના કારણે દેશની મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ખરેખર તો આ ઈન્ડસ્ટ્રીમાં રોકાણકારો એસઆઈપી દ્વારા જોરદાર રોકાણ કરી રહ્યા છે. નિવેશ ડોટ કોમ અનુસાર જૂનના અંત સુધીમાં એસઆઈપીનું એયુએમ વધીને ૪.૮૩ લાખ કરોડ રૂપિયે પહોંચી ગયું. ગયા વર્ષની સરખામણીમાં એસઆઈપીનું એયુએમ ૬૦ ટકા વધી ગયુ છે. જૂન ૨૦૧૮માં તેનુ એયુએમ ૨.૦૦૫ લાખ કરોડ હતું.

જૂન ૨૦૨૦માં ૯.૧૩ લાખ એસઆઈપી રજીસ્ટર થઈ હતી જ્યારે જૂન ૨૦૨૧માં આ આંકડો ૨૧.૨૯ લાખ થઈ ગયો હતો. ૨૦૧૮મા એપ્રિલમાં દેશમાં ૨.૧૬ કરોડ એસઆઈપી એકાઉન્ટ હતા જે ૩૦ જૂન ૨૦૨૧એ ૪.૦૨ કરોડ એસઆઈપી એકાઉન્ટ થઈ ગયા હતા. છેલ્લા ૨૫ વર્ષમાં જેટલા એસઆઈપી એકાઉન્ટ રજીસ્ટર્ડ થયા એટલા એકાઉન્ટ છેલ્લા ૩ વર્ષમાં રજીસ્ટર્ડ થયા છે.

નિવેશ ડોટ કોમ અનુસાર, એસઆઈપી લોકપ્રિય થવાના ઘણા કારણો છે. બેંકમાં જમા નાણા પર વ્યાજ દર બહુ ઘટી ગયો છે. મોંઘવારી સાથે સરખાવીએ તો રિટર્ન લગભગ માઈનસ થઈ ગયુ છે, એટલે રોકાણકાર પોતાના લક્ષ્ય અને જોખમ ઉઠાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યો છે. અહીં તેને મોંઘવારીની સરખામણીમાં વધારે રિટર્ન મળી રહ્યુ છે જે તેને રૂપી કોસ્ટ એવરેજીંગમાં પણ મદદ કરે છે અને માર્કેટની વોલેટીલીટીથી પણ બચાવે છે.

જો ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પણ બહુ લોકપ્રિય છે અને જે રોકાણકારો જોખમ નથી લેવા માંગતા તેઓ આમા નાણા રોેકી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ એયુએમમાં ડેટ સ્કીમની હિસ્સેદારી ૪૩ ટકા છે. ગયા વર્ષની સરખામણીમાં તે ૧૨.૪ ટકા વધારે છે. ઈન્ડેકસ ફંડ અને ઈટીએફ તરફ પણ રોકાણકારો આકર્ષિત થઈ રહ્યા છે. જૂન ૨૦૨૧ સુધીમાં ઈન્ડેકસ ફંડ એયુએમ વધીને ૨૪,૯૪૭ કરોડનું થઈ ગયુ છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૨૩ ટકા વધારે છે.

(11:40 am IST)