Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

૭૧ વર્ષના દાદાનું શરમજનક કૃત્યઃ ૧૫ વર્ષની પૌત્રીને બનાવી ગર્ભવતી

પૌત્રીનું બે સ્થાનિક મહિલાઓની મદદથી ગર્ભપાત કરાવાયું: પાડોશીઓને જાણ થતાં તેમણે મહિલા પોલીસમાં ફરિયાદ કરી : વૃદ્ઘની દીકરીનું મોત થતાં તેના સંતાનો દાદા સાથે રહેતા હતાઃ બાળકોના પિતાએ પત્નિના મોત પછી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા

ચેન્નઇ, તા.૫: વિતેલા વર્ષોમાં દેશમાં મહિલા વિરુદ્ઘ થતાં ગુનાઓમાં ભારે વધારો નોંધાયો છે. જેમાં રેપ, ગેંગરેપથી માંડીને નિર્મમ હત્યાના કેસ સામેલ છે. આવા કેસોમાં સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે, મહિલાઓ, યુવતીઓ કે બાળકીઓના શારીરિક શોષણના મોટાભાગના કેસમાં આરોપી પીડિતાના ઓળખાણમાંથી જ સામે આવે છે. તાજેતરમાં તમિલનાડૂના કાલીકરુચી જિલ્લાના થિરુકોઇલુર ગામમાંથી પણ આવો જ શરમજનક કેસ સામે આવ્યો છે. જેમાં એક ૭૧ વર્ષિય વૃદ્ઘે તેની ૧૫ વર્ષની પૌત્રીનું શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવી હતી અને પોતાના કુકર્મ સંતાડવા માટે બળજબરીથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો. આ કેસમાં વૃદ્ઘની મદદ કરનારી બે મહિલાઓની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, વૃદ્ઘની દીકરીના મૃત્યુ થયા પછી તેના સંતાનોમાં દીકરી અને દીકરો એના ૭૧ વર્ષિય દાદા સાથે રહેવા આવ્યા હતા, પરંતુ વૃદ્ઘે સંબંધોની તમામ હદો વટાવતાં પૌત્રીને જ શિકાર બનાવી વર્ષોથી શારીરિક શોષણ કરતો હતો. બાળકોના પિતા અને વૃદ્ઘના જમાઇએ પત્નીના મોત બાદ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા.

વૃદ્ઘના કુકર્મનો ખુલાસો ત્યારે થયો જયારે આસપાસના લોકોને આ અંગે જાણ થઇ અને ગામ અધિકારીને આ વિશે જણાવ્યું હતું. જે પછી ગામ અધિકારીએ મહિલા પોલીસમાં ફરિયાદ કરી. મહિલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં વૃદ્ઘ આરોપી સહિત કિશોરીનું ગર્ભપાત કરાવામાં મદદરુપ બનેલી બે મહિલાઓની ધરપકડ કરી હતી. આ મહિલાઓ પૈકી એક નિવૃત નર્સ હતી જયારે બીજી પાડોશમાં રહેતી હતી.

પોલીસે વૃદ્ઘ આરોપી સહિત બે મહિલાઓ પર આઇપીસી એકટ અને પોકસો એકટની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધીને જેલમાં મોકલી દીધા છે.

(11:41 am IST)