Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સાગર ધનખડ હત્યા કાંડ : આરોપી સુશીલ કુમારનું રોહિણી લેબના વરિષ્ઠ મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરાયું : ચોંકાવનારા ખુલાસા મળ્યા

સુશીલ કુમાર ખુબ જ આક્રમક, ઉગ્ર અને જીદ્દી સ્વભાવનો છે : સાગરની હત્યા મામલે પસ્તાવાના કોઈ ચિન્હો નથી

ન્યુદિલ્હી : જુનિયર પહેલવાન સાગર ધનખડ હત્યા કાંડના આરોપી ઓલમ્પિક એવોર્ડ વિજેતા પહેલવાન સુશીલ કુમારનું રોહિણી લેબના વરિષ્ઠ મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં ચોંકાવનારા ખુલાસા મળ્યા છે. જે મુજબ સુશીલ કુમાર ખૂબ જ આક્રમક સ્વભાવના છે. તેની અંદરની ઉગ્રતા તેના જડબાં દબાવીને અને તેના ખભા ઉભા કરીને પ્રગટ થાય છે. તેની પાસે આ ઘટના વિશે અપરાધ અથવા પસ્તાવાના કોઈ ચિહ્નો નથી. તે ખૂબ જ જિદ્દી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી પોલીસ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રોહિણી સ્થિત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સતવીર સિંહ લાંબાની કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં મનોચિકીત્સકનો રિપોર્ટ શામેલ કરાયો છે. જે મુજબ મનોચિકિત્સકોએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર ખૂબ ઘમંડી છે. તે જેમ વિચારે છે તેમ વર્તે છે. તે પોતાને કાયદાથી ઉપર માને છે. તેને તેની પ્રતિષ્ઠા અને નામ પર ખૂબ ગર્વ છે. તેનું વર્તન પ્રતિકૂળ છે. મનોચિકિત્સકનો આ રિપોર્ટ સુશીલ માટે મુશ્કેલ પરિસ્થિતનું નિર્માણ શકે છે. આ રિપોર્ટ સુશીલના  ખરાબ વર્તન ઉપર પ્રકાશ પાડનારો છે.

પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે કે આ સમગ્ર કેસના કાવતરાખોર સુશીલ કુમાર છે. આ ઘટના માટે તેણે પહેલાથી જ દિલ્હીના વિવિધ ભાગોમાંથી તેના સાથીઓને ભેગા કર્યા હતા. કેટલાક લોકોને હરિયાણાથી પણ બોલાવવામાં આવ્યા હતા. જે ઘાતક હથિયારો સાથે આવ્યા હતા. એટલું જ નહીં, પીડિતોને દિલ્હીના વિવિધ ભાગો, શાલીમાર બાગ અને મોડેલ ટાઉન III થી બંધક બનાવીને છત્રસાલ સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેને હત્યાના ઇરાદે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:46 pm IST)