Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

યો યો હની સિંહની પત્નિએ માગ્યું રૂ.૧૦ કરોડનું વળતર

મારી સાથે જાનવરો જેવું વર્તન થયુઃ લગ્ન બાદ પણ હની સિંહના અનેક યુવતીઓ સાથે શારીરિક સંબંધ રહ્યા છેઃ શાલિનીનો દાવો : શાલિનીએ હની સિંહ ઉપરાંત તેના માતાપિતા અને બહેન સામે પણ ફરિયાદ નોંધાવી છેઃ મેજિસ્ટ્રેટે હની સિંહને જોઈન્ટ પ્રોપર્ટી અને શાલિનીનું સ્ત્રીધન ન વેચવાનો આદેશ આપ્યો છે

મુંબઇ, તા.૫: સિંગર અને રેપર યો યો હની સિંહ આજકાલ પત્ની સાથેના વિખવાદના કારણે ચર્ચામાં છે. હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે, શાલિનીએ પતિ પાસે ૧૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. તીસ હજારી કોર્ટે શાલિનીની અરજી પર ૨૮ ઓગસ્ટ સુધીમાં હની સિંહ ઉર્ફે હિરદેશ સિંહને જવાબ આપવાનો આદેશ કર્યો છે. હની સિંહ ઉપરાંત શાલિનીએ તેના પરિવાર સામે પણ માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ મૂકયો છે.

શાલિની તલવારે ૩ ઓગસ્ટના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં પ્રોટેકશન ઓફ વીમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એકટર હેઠળ પતિ હિરદેશ સિંહ અને પોતાના સાસરીવાળા સામે ફરિયાદ દાખલ કરી હતી. શાલિનીએ દાવો કર્યો છે કે, હની સિંહે તેની સાથે દ્યણીવાર મારઝૂડ કરી છે. શાલિનીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ હની સિંહના કેટલીય મહિલાઓ સાથે શારીરિક સંબંધ હતા. શાલિનીએ ૧૦ કરોડનું વળતર માગતા કહ્યું છે કે, આટલા વર્ષો દરમિયાન તેની સાથે જાનવર જેવું વર્તન થયું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાલિનીના વકીલે જણાવ્યું છે કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે હની સિંહને નોટિસ આપીને આદેશ કર્યો છે કે, શાલિની સાથેની તેની જોઈન્ટ પ્રોપર્ટીને વેચવાની કે તેમાં કોઈ ત્રીજી વ્યકિતને માલિકી ના આપે. સાથે જ શાલિનીની જવેલરીને પણ ન વેચે તેવી સૂચના અપાઈ છે.

શાલિનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તેના પતિએ દ્યણીવાર તેની સાથે મારઝૂડ કરી છે. હનીમૂન વખતે પણ હની સિંહે તેની સાથે મારઝૂડ કરી હતી, ગાળો આપી હતી, યૌન શોષણ થયું હતું અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. શાલિનીએ હની સિંહના માતાપિતા અને બહેનને પણ આરોપી ગણાવ્યા છે. એટલું જ નહીં પોતાની સાથે જાનવરો જેવું વર્તન થયું હોવાનો ઉલ્લેખ શાલિનીએ અરજીમાં કર્યો છે.

હની સિંહ અને શાલિનીએ ૧૦ વર્ષની રિલેશનશીપ બાદ લગ્ન કર્યા હતા. જોકે, હની સિંહ અને શાલિનીએ લગ્ન છુપાવીને રાખ્યા હતા. ૨૦૧૪માં પહેલીવાર લોકોને જાણ થઈ હતી કે હની સિંહ પરણેલો છે. શાલિનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, હની સિંહ સિંગર તરીકે હિટ થવા લાગ્યો ત્યારે તેણે જાણીજોઈને લગ્નની વાત છુપાવી. શાલિનીના કહેવા મુજબ, લગ્નની તસવીરો સામે આવી ત્યારે હની સિંહે તેના પર ફોટોઝ લીક કરવાનો આરોપ લગાવ્યો.શાલિનીનો દાવો છે કે, તેના પતિના લગ્ન બાદ દ્યણાં અફેર રહી ચૂકયા છે. 'બ્રાઉન રંગ દે'ના શૂટિંગ દરમિયાન હની સિંહ પોતાની એક મહિલા સહકર્મી સાથે શારીરિક સંબંધ પણ રાખતો હતો. જયારે શાલિનીએ આ વિશે સવાલ કર્યો હતો તો કથિત રીતે તેણે ગાળાગાળી કરીને તેના પર દારુની બોટલ ફેંકી હતી. જોકે, આ સમગ્ર મામલે હજી હની સિંહ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

(3:25 pm IST)