Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પેગાસસ જાસૂસી જેવો બીજો ધડાકો : મહારાષ્ટ્ર સરકારે પેગાસસ જેવો જાસૂસી સોફ્ટવેર મેળવવા 2019 ની સાલમાં પાંચ ઓફિસરોને ઇઝરાયલ મોકલ્યા હતા : બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : નામદાર કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

મુંબઈ : પેગાસસ જાસૂસી જેવો બીજો ધડાકો થયો છે. જે મુજબ બોમ્બે હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર સરકારે પેગાસસ જેવો જાસૂસી સોફ્ટવેર મેળવવા 2019 ની સાલમાં મહારાષ્ટ્ર ડિરેક્ટર જનરલ ઓફ ઈન્ફર્મેશન એન્ડ પબ્લિક રિલેશન્સ (DGIPR) ના પાંચ વરિષ્ઠ અધિકારીઓના પ્રતિનિધિમંડળને  ઇઝરાયલ મોકલ્યું હતું.  અરજીના અનુસંધાને નામદાર કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરીને ઇઝરાયલ મોકલવામાં આવેલા અધિકારીઓ અને જેમણે આવા અધિકારીઓને પ્રવાસ માટે જવા મંજૂરી આપી છે તેમના વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

પિટિશનમાં જણાવાયા મુજબ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પછી તરત જ, 15 નવેમ્બર, 2019 ના રોજ, ડીજીઆઈપીઆરના પાંચ પસંદ કરેલા વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ 10 દિવસ માટે ઈઝરાયેલ મોકલવામાં આવ્યું હતું .

પ્રવાસમાં જે વિષયોને આવરી લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી તે મુજબ વેબ મીડિયાનો ઉપયોગ કરવાની નવી રીતો, ડિજિટલ માર્કેટિંગ સાધનોનો ઉપયોગ અને કટોકટીની જાહેરાતના પ્રસંગોમાં મીડિયાનો ઉપયોગ, સરકારી સંદેશાઓના પ્રસાર માટે મીડિયા યોજના અંગેનો હતો.પરંતુ આ બાબત શંકા પ્રેરક છે તેવું પિટિશનમાં જણાવાયું હતું.આથી પાંચ અધિકારીઓનો પ્રવાસ અને તેમણે મેળવેલ માહિતી તથા તે માટે થયેલ ખર્ચ વિષે તપાસ કરવા અરજ કરાઈ છે  તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(9:02 pm IST)