Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ભાગી ગયેલી સગીરા પ્રેમી સાથે ગોવામાંથી ઝડપાઈ

યુપીના સાંભલ જિલ્લાની ચકચારી ઘટના : પ્રેમી સાથે ગયેલ છોકરીએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે તે પોતાની મરજીથી ઘર છોડીને પોતાના મિત્ર સાથે ગોવા ગઈ હતી

બરેલી , તા. : યુપીના સાંભલ જિલ્લામાં ૧૫ વર્ષની એક મુસ્લિમ છોકરી પોતાના વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના હિન્દુ છોકરા સાથે ભાગી જતાં જોરદાર હોબાળો મચી ગયો હતો. મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે ૧૫ દિવસની શોધખોળ બાદ બંનેને ગોવાના એક ગામમાંથી શોધી કાઢ્યા હતા અને તેમને પરત લાવવામાં આવ્યા હતા. છોકરીએ કોર્ટ સમક્ષ ગવાહી આપતા જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી ઘર છોડીને પોતાના મિત્ર સાથે ગોવા ગઈ હતી, તેના પર કોઈએ જોર જબરજસ્તી નથી કરી.

બીજી તરફ, છોકરીના પરિવારજનોએ મામલે છોકરા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ બંનેને શોધીને પરત લાવી હતી. છોકરીને મેજિસ્ટ્રેટ કોર્ટ સામે રજૂ કરાઈ હતી. જ્યાં તેણે પોતાની મરજીથી છોકરા સાથે ગોવા ગઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બંને ગોવાના એક ગામમાં રહેતા હતા જ્યાંથી તેમને સોમવારે યુપી પરત લવાયા હતા.

સાંભલ ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમારના જણાવ્યા અનુસાર, અવયસ્ક કિશોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં મંગળવારે તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. છોકરીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી છોકરા જોડે ઘર છોડીને ભાગી ગઈ હતી. તેના પર કોઈ જબરજસ્તી નથી થઈ. છોકરીના પિતાએ તેના મિત્ર સામે નોંધાવેલી અપહરણની ફરિયાદ અંગે છોકરીએ કહ્યું હતું કે તેનું કોઈ અપહરણ નહોતું થયું.

હાલ છોકરીની કસ્ટડી તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. આવા કિસ્સામાં જો છોકરી માતાપિતા સાથે જવા તૈયાર ના થાય તો તે ૧૮ વર્ષની ના થાય ત્યાં સુધી તેને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવતી હોય છે. બીજી તરફ, છોકરીના દોસ્તને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. છોકરીએ પણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ સમક્ષ પોતાનું અપહરણ થયું હોવાનો ઈનકાર કર્યો હતો. હાલ છોકરાને જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવ્યો છે.

છોકરો અને છોકરી ઘરેથી ભાગ્યા ત્યારબાદ તેની ફરિયાદ નોંધાયા પછી પોલીસે તેમની શોધખોળ શરુ કરી હતી. તેમને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવાઈ હતી, પરંતુ તેઓ ક્યાં ગયા તેની કોઈ જાણકારી પોલીસ પાસે નહોતી. તેવામાં ૩૦ જુલાઈના રોજ છોકરીએ પોતાના પિતાને ફોન કરવા પ્રયાસ કર્યો હતો જેના આધારે તેનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસ બંનેને ગોવાના એક ગામડામાંથી લઈ આવી હતી. ગોવા પોલીસ સાથે યુપી પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં છોકરા-છોકરીને શોધી કાઢવામાં આવ્યા હતા.

(9:06 pm IST)