Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

બારામુલ્લામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા ૩ આતંકીઃ ૩ જવાન ઘાયલ

ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કરતા સર્ચ ઓપરેશનઃ એન્કાઉન્ટર બની રહ્યું હતું

નવી દિલ્હી, તા.પઃ જમ્મુ અને કાશ્મિરના બારામુલ્લા જિલ્લામાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ ત્રાસવાદીનાં મોત થયા હતા. જયારે લશ્કરી અધિકારી સહિત ત્રણ સુરક્ષાકર્મીઓ ઘવાયા હતા.

સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મિરના જિલ્લાના પટ્ટાણ વિસ્તારમાંના યેડિપોરા ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાં છૂપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કરતા સર્ચ ઓપરેશન, એન્કાઉન્ટર બની રહ્યું હતું. સુરક્ષા દળોએ વળતા પ્રહારરૂપે ત્રાસવાદીઓ પર ગોળીઓ વરસાવી હતી.

શરૂઆતના ગોળીબારમાં એક લશ્કરી અધિકારીને ઇજા થઇ હતી. એમને સારવાર માટે અત્રેની ૯૨ બેઝ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એમની હાલત સ્થિર છે. લશ્કરી કામગીરી દરમિયાન ત્રાસવાદીનું મોત થયું હતું. સામસામી ગોળીવર્ષા વધી પડતાં બે ખાસ પોલીસ અધિકારીઓ પણ દ્યાયલ થયા હતા. એમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ત્રાસવાદીઓએ પુલવામાં જિલ્લાના બાભાર વિસ્તારમાં આવેલી ફળોની વાડીમાંથી સુરક્ષા દળો પર કરેલા હુમલાના પગલે વધુ એક ગનફાઇટ થઇ ગઇ હતી. સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મિરના પુલવામાં જિલ્લા સ્થિત ટ્રાલના જંગલ વિસ્તારમાના ત્રાસવાદીઓના ત્રણ અડ્ડા શોધી કાઢ્યા હતા.

જૈશ-એ- મહંમદ (જેઈએમ)ના ત્રાસવાદીઓ ત્યાં છૂપાયા હોવાની માહિતી પરથી પોલીસ અને લશ્કરે ઉપરોકત સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. એમ પોલીસ પ્રવકતાએ જણાવ્યું. લશ્કરી કાર્યવાહી દરમિયાન શોધી કઢાયેલા ઉપરોકત ત્રણ અડ્ડાનો નાશ કરાયો હતો. ત્રાસવાદીઓના અડ્ડા પરથી આઈઈડી મટિરિયલ હાથ લાગ્યું હતુ. તેને તપાસ માટે પોલીસને સોંપાયુ છે.

(10:16 am IST)