Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ચીનના રક્ષા મંત્રીને રાજનાથસિંહની સ્પષ્ટ વાતઃ તમારા સૈનિકોને પાછળ હટાવવા જ પડશે

LAC પર છેલ્લા ચાર મહિનાથી ભારત અને ચીનના સૈનિકો આમને સામને છેઃ આ બેઠકમાં સરહદ પર તણાવ ઓછો કરવા મામલે ચર્ચા થઈ હતી

નવી દિલ્હી, તા.૫: ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ચીનના રક્ષા મંત્રી વેઈ ફેંગહી વચ્ચે શુક્રવારે મોસ્કોમાં મુલાકાત થઈ હતી. આશરે બે કલાક ૨૦ મિનિટ સુધી ચાલેલી આ બેઠક ખૂબ જ મહત્ત્વની રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવના માહોલમાં બંને નેતાઓ વચ્ચે પ્રથમ ફેસ ટૂ ફેસ બેઠક થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર મહિનાથી LAC પર બંને દેશની સેના આમને-સામને છે. એવામાં આ બેઠકમાં તણાવ ઓછો કરવા અંગે ચર્ચા થઈ હતી. બંને નેતા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) માટે મોસ્કો પહોંચ્યા હતા. આ પહેલા ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે સીમા પર હાલત અભૂતપૂર્વ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન રાજનાથસિંહે લદાખમાં યથાસ્થિતિ બનાવી રાખવાની વાત કરી હતી. આ ઉપરાંત સૈનિકોને ઝડપથી ખસેડી લેવાની વાત પર ભાર આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, શાંતિ માટે ચીનના સૈનિકોએ પાછળ હટવું જ પડશે. હકીકતમાં ગત અઠવાડિયે ત્યો ખીણમાં થયેલી તકરાર બાદ વિવાદ વધતો નજરે પડી રહ્યો છે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન પાર્ટીને પાછળ ધકેલીની રણનીતિક રીતે એક મહત્ત્વની પોસ્ટ પર કબજો કરી લીધો છે. ભારતના પલટવારથી ચીન રઘવાયું થયું છે. બીજી તરફ ચીન પેન્ગોંગ ત્યોની ઉત્તર ઘાટી અને ગોગરા પોસ્ટ પરથી હટવા માટે તૈયાર નથી.

ભારતીય પ્રતિનિધિમંડળમાં રક્ષા સચિવ અજય કુમાર અને રશિયામાં ભારતના રાજદૂત ડીબી વેંકટેશ વર્મા સામેલ હતા. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે એસસીઓમાં પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, શાંતિ અને સુરક્ષા માટે વિશ્વાસનો માહોલ, બિન-આક્રમકતા, આંતરરાષ્ટ્રીય નિયમો પ્રત્યે સન્માન અને મતભેદોનું શાંતિથી નિવારણ જરૂરી છે. રક્ષા મંત્રીના આ નિવેદનને પૂર્વ લદાખમાં ચીન સાથે સીમા વિવાદ સાથે જોડીને જોવામાં આવે છે. નોંધનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ આગામી અઠવાડિયે વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે.

આ પહેલા શુક્રવારે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યુ કે, સીમા પર છેલ્લા ૪૦ વર્ષમાં કયારેય આવી હાલત નથી જોવા મળી. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત-ચીન સીમા પર અભૂતપૂર્વ માહોલ છે. ૧૯૬૨ પછી આપણી સામે આવી સ્થિતિ કયારેય નથી ઊભી થઈ. આપણે પ્રથમ વખત આપણા સૈનિકો ગુમાવ્યા છે, આવું ૪૦ વર્ષમાં કયારેય નથી થયું. આપણી સંપ્રભુતા અને અખંડિતતા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. પરંતુ એક જવાબદાર દેશ તરીકે આપણે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ.

(10:18 am IST)