Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કોસ્ટ વધુ... જાપાનને ઓછો રસ... બુલેટ ટ્રેન પ્રોજેકટને લાગી બ્રેક

અમદાવાદ - મુંબઇ વચ્ચેના મહાકાય પ્રોજેકટ આડે અનેક વિધ્નો : પ્રોજેકટ ૨૦૨૨માં પૂરો થાય તેમ નથી : ૨૦૨૮ સુધી રાહ જોવી પડે તેવી શકયતા : જમીન સંપાદન સહિતના અનેક પ્રશ્નો મોઢુ ફાડીને ઉભા છે : અનેક ટેન્ડરો હજુ ખુલ્યા જ નથી : જે ટેન્ડરો ખુલ્યા તેના ભાવ અનુમાનથી ઘણા ઉંચા છે

નવી દિલ્હી તા. ૫ : ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં એકધારા અવરોધો આવી રહ્યા છે. એવામાં મુંબઇ અમદાવાદ વચ્ચે શરૂ થનાર પ્રથમ બુલેટ ટ્રેન જોવા માટે લોકોએ હજુ પાંચ વર્ષ રાહ જોવી પડે તેમ છે. હકીકતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કોસ્ટ ભારતમાં ઘણી વધુ આવી રહી છે આ સિવાય જાપાનની કંપનીઓ પણ તેમાં ઓછો રસ લઇ રહી છે. ન તો પ્રોજેકટ બોલી લગાવનાર કંપનીઓ જ યોગ્ય ભાવ ફિકસ કરતી નથી જેના કારણે ટેન્ડરો સતત રદ થઇ રહ્યા છે.

રેલવેએ આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એવી આશા વ્યકત કરી છે કે આ પ્રોજેકટ ઓકટોબર ૨૦૨૮ સુધીમાં પૂરો થઇ શકશે. અગાઉ આ પ્રોજેકટની સમય સીમા ડિસેમ્બર ૨૦૨૩ રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી ટાઇમ લાઇન પ્રોજેકટ પર કામ કરતી જાપાન ટીમ સાથે વાતચીત બાદ નક્કી થઇ છે. પ્રોજેકટમાં વિલંબના સવાલ પર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, જો બુલેટ ટ્રેન સાથે જોડાયેલ તમામ બાબતોનો નિવેડો તુરંત આવી જાય તો અમે પ્રોજેકટ પૂરો કરવાની સમયસીમા થોડો ઓછી કરી શકીએ છીએ પરંતુ ટેકનિકલ પ્રોજેકટમાં સમયસીમા વધુ નથી ઘટાડી શકાતી.

મુંબઇ - અમદાવાદ વચ્ચે બની રહેલ આ પ્રોજેકટનું નિર્માણ જાપાનથી ૮૦ ટકા લોન પર કરવામાં આવી રહ્યું છે. જાપાને ૦.૧ ટકાને દરે ૧૫ વર્ષ માટે પૈસા આપ્યા છે. મોદી સરકાર આ પ્રોજેકટના એક ભાગને ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂરો કરવા માંગતી હતી.

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ૨૧ કિલોમીટરના અંડર ગ્રાઉન્ડ સેકશન જેમાં ૭ કિમી દરિયાની અંદર પણ સામિલ છે તેના માટે જાપાન તરફથી કોઇ રસ દાખવવામાં આવ્યો નથી. આ સિવાય પ્રોજેકટ માટે ૧૧ ટેન્ડર જાપાનની કંપનીઓ તરફથી આવ્યા છે જેમાં ભાવ અનુમાનથી ૯૦ ટકા વધુ છે. ભારતને તે સ્વીકાર્ય નથી. આ સિવાય જમીન અધિગ્રહણનો પ્રશ્ન પણ હજુ ઉભો છે. કોરોનાને કારણે પ્રોજેકટનું કામકાજ હાલ ઠપ્પ છે. અત્યાર સુધી ૬૩ ટકા જમીનની અધિગ્રહણ થયું છે જેમાં ૭૭ ટકા ગુજરાત, ૮૦ ટકા દાદરાનગર હવેલી અને ૨૨ ટકા મહારાષ્ટ્રની જમીન સામેલ છે. પાલઘર અને નવસારી જેવા વિસ્તારમાં જમીનના પ્રશ્ન હજુ ઉભા છે.

(3:52 pm IST)