Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આજે આંતરરાષ્ટ્રીય દાન દિવસ

દુનિયામાં એવા ઘણાં ધનકૂબેરો છે જે અખૂટ ધન કમાવા સાથે સમાજને પાછું પણ આપી રહ્યા છે

બિલ ગેટસ, વોરન બફેટ, અજીમ પ્રેમજી, લીકા શીંગ, ચક ફેની જેવા નામો છે સામેલ

નવી દિલ્હી તા. પ :.. દુનિયામાં એવા ઘણાં ધન કૂબેરો છે જેમણે દાનવીર તરીકેની ખ્યાતિ મેળવી છે. વંચિતોનું જીવન સ્તર સુધારવા અને શિક્ષણથી માંડીને આરોગ્ય અને શાંતિના પ્રયાસો માટે સમાજને કંઇક આપવામાં વિશ્વાસ રાખે છે. આવો જોઇએ દુનિયાના કેટલાક ટોચના દાનવીરોની ઝલક.

બિલ ગેટસ, અમેરિકા  કુલ દાન ૩પ.૮ અબજ ડોલર

માઇક્રોસોફટના સહ સંસ્થાપક અને ચેરમેન બીલ ગેસ, પોતાના ધંધામાંથી રિટાયર થઇને બીલ ગેટસ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, સખ્ત ગરીબી, શિક્ષણ, આઇટી વગેરે માટે ચેરીટીના ઘણા કામો કરતા આવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં ૩પ.૮ અબજ ડોલરથી વધારે દાન કર્યુ છે.

વોરેન બફેર, અમેરિકા,  કુલ દાન ૩૪  અબજ ડોલર

વોરેનને દુનિયાના સૌથી સફળ રોકાણકાર માનવામાં આવે છે. કરકસર માટે જાણીતા બફેટ દાન આપવામાં કયારેય કંજૂસી નથી કરતા. તેમણે મોટાભાગનું દાન બિલ ગેટસ ફાઉન્ડેશનને આપ્યું છે. આરોગ્ય સેવાઓ, શિક્ષણ, એઇડસની રોકથામ અને સ્વચ્છતા વગેરે માટે તેમણે આ દાન આપ્યું છે.

અજીમ પ્રેમજી, ભારત કુલ દાન ર૧ અબજ ડોલર

આઇટી કંપનીના વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજીને એશીયાના સૌથી મોટા દાનવીર ગણવામાં આવે છે. તેમણે ર૦૧૯ માં વિપ્રોના ૭.૬ અબજ ડોલરના શેર, શિક્ષણ માટે સમર્પિત પોતાના ફાઉન્ડેશનને દાનમાં આપી દીધા હતા. તેમનું દાન શિક્ષણ, ગરીબોના કલ્યાણ, આરોગ્ય અને કોરોના સામે લડવા માટે અપાયું હતું.

લીકાશીંગ હોંગકોંગ કુલ દાન ૧૦.૭ અબજ ડોલર

હોંગકોંગના સૌદર્ય અને આરોગ્ય ક્ષેત્રના મોટા ખેલાડી કહેવાતા લીકાશીંગ એક મોટા રોકાણકાર અને પરોપકારી પણ છે. હાલમાં કોરોના કાળમાં તેમણે ઘણું દાન કર્યું છે તેમનું દાન શિક્ષણ, આરોગ્ય, ગરીબીના નાશ અને ગરીબોની દેખભાળ માટે વપરાય છે.

ચક ફેની, આયર્લેન્ડ  ૯ અબજ ડોલર

ગરીબીમાં મોટા થયેલા આઇરીશ અમેરિકન ફેનીએ પોતાના ડયુટી ફ્રી શોપીંગ ગ્રુપમાં અબજો ડોલરની કમાણી કરી છે. તેમણે પોતાની લગભગ બધી કમાણી ધીમે ધીમે કરીને દાન કરી દીધી છે. તેમનુ દાન આરોગ્ય, એજીંગ, ગરીબી અને માનવાધિકાર માટે વાપરવામાં આવે છે.

(11:32 am IST)