Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

BSNLની તિજોરી તળીયા ઝાટક : ૨૦ હજાર કોન્ટ્રેકટ વર્કરોની કરશે છટણી

આ પહેલા કંપનીએ આવા ૩૦ હજાર કામદારોને ઘરભેગા કરી દીધા હતા : આવા કામદારોને ૧ વર્ષથી પગાર પણ ચૂકવાયો નથી : અગાઉ ૭૯૦૦૦ કર્મચારીઓએ વીઆરએસ લીધું હતું: એકધારી છટણીથી કર્મચારી યુનિયન લાલઘૂમ : કર્મચારી વગર કામ કેમ થશે : કામકાજ ઠપ્પ થઇ જવાના એંધાણ : લાઇનમાં ફોલ્ટ કે નેટવર્ક ફોલ્ટ વધી ગયું છે

નવી દિલ્હી તા. ૫ : ટેલિકોમ ક્ષેત્રની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ વધુ કોન્ટ્રેકટ વર્કર્સની છટણી કરવા જઇ રહી છે. આ પહેલા કંપનીઓ આવા ૩૦ હજાર જેટલા કામદારોની છટણી કરી છે. હાલ આ કોન્ટ્રેકટ વર્કરોને છેલ્લા ૧ વર્ષથી વેતન પણ ચૂકવવામાં આવ્યું નથી.

બીએસએનએલ કર્મચારી સંઘે કંપનીના અધ્યક્ષને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે કંપનીની નાણાકીય હાલતની પાછળ વીઆરએસ જવાબદાર છે. જ્યારથી આ યોજના પર અમલ થયો છે ત્યારથી કંપનીની નાણાકીય હાલત ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહિ હવે કર્મચારીઓની અછતને કારણે અનેક સ્થળે યોગ્ય કામ પણ થયું નથી. તેથી લાઇનમાં ફોલ્ટ અને નેટવર્ક ફોલ્ટ વધી ગયા છે.

યુનિયને એવું પણ કહ્યું છે કે છેલ્લા ૧૪ મહિનાથી મજૂરીનું ચુકવણુ નહિ થવાથી ૧૩ કોન્ટ્રાકટ વર્કરોએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આમ છતાં નિયત તારીખે મજૂરોને પગાર ચુકવાતો નથી.

તાજેતરમાં કંપનીથી એક આદેશ જારી થયો છે જેમાં ચીફ જનરલ મેનેજરોને ખર્ચ ઘટાડવા અને કોન્ટ્રાકટ વર્કરો પાસેથી કામ લેવાની પ્રથા બંધ કરવા જણાવાયું છે. કંપનીના અધ્યક્ષની ઇચ્છા છે કે દરેક સર્કલમાં આવા કામદારોને હટાવા માટે એક સ્પષ્ટ રોડ મેપ બનાવામાં આવે.

બીએસએનએલ કર્મચારી યુનિયનના મહામંત્રીના જણાવ્યા મુજબ છટણીમાં લગભગ ૩૦ હજાર કોન્ટ્રાકટ મજૂરોને ઘરભેગા કરી દેવાયા છે. હવે આ નવા આદેશથી કોન્ટ્રેકટ કામદારોને ઘરે જવા મજબૂર થવું પડશે.

તેમના જણાવ્યા પ્રમાણે વીઆરએસ કોન્ટ્રાકટ વર્કરો પાસેથી કામ લેવાનું જરૂરી બની ગયું હતું. વીઆરએસ થકી ૭૯૦૦૦ કાયમી કર્મચારીઓને ઘરે મોકલી દેવાયા છે. તેથી ત્યાં કોન્ટ્રાકટ વર્કરોને બેસાડવામાં આવ્યા હતા હવે તેઓને પણ હટાવાશે તો બીએસએનએલનું કામ કેમ થશે.

(11:35 am IST)