Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગંભીર કેસોમાં તથ્યોને ધ્યાને લઇ નિર્ણય

કેદીઓના પેરોલ અને ફર્લોના નિયમોમાં સુધારો

નવી દિલ્હી,તા.૫ : સામાન્ય રીતે પુરાયેલા કેદીઓને પેરોલ અને ફર્લો પર થોડા દિવસ માટે છુટછાટ મળી જાય છે. પણ ગૃહ મંત્રાલયે હવે ૨૦૧૬ની ગાઇડલાઇનમાં સુધારો કર્યો છેે મંત્રાલયનું કહેવું છે કે એવા કેદી જેમને છોડવાથી સમાજ અથવા કોઇ ખાસ વ્યકિતની સુરક્ષા પર જોખમ હોય તેમને પેરોલ અને ફર્લો આપવા પર રોક લગાવવામાં આવે. ગૃહ મંત્રાલયે કહ્યું કે પેરોલ અને ફર્લો પર કેદીને છોડવા તે તેમનો અધિકાર નથી અને તે કેદીની યોગ્યતા અને વ્યવહારના આધાર પર જ આપવા જોઇએ

ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજ્યોના પેરોલ નિયમો, જેવા કે છોડવા માટેના માપદંડ, મુદત અને ફ્રીકવન્સીને સુધારી શકાય છે. મંત્રાલયે આ સાથે જ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે આતંકવાદ અને અન્ય જધન્ય ગુનાઓના અપરાધીઓને જેલની બહાર જવાની મંજુરી ન મળવી જોઇએ.

ગૃહમંત્રાલયે એમ પણ કહ્યું કે કોઇ પણ અપરાધીને પેરોલ અને ફર્લો નિયમીત રીતે ન આપી શકાય. યૌન અપરાધો, ખૂન, બાળકોના અપહરણ અને હિંસા જેવા ગંભીર અપરાધોના કેસોમાં અધિકારીઓની એક સમિતી દ્વારા તથ્યોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરી શકાય છે.

ગૃહમંત્રાલયે આદર્શ જેલ મેન્યુઅલ-૨૦૧૬નું ઉદાહરણ આપતા કહ્યું કે એવા કેદીઓ જેની ઉપસ્થિતી સમાજ માટે ખતરનાક ગણાતી હોય અથવા પછી કલેકટર અથવા પોલીસ અધિક્ષક દ્વારા જેમની ઉપસ્થિતીથી શાંતિ અને કાયદો અને વ્યવસ્થા બગડવાની શંકા વ્યકત કરવામાં આવી હોય તેમને છોડવા પર વિચાર ન કરવો જોઇએ.

(12:56 pm IST)