Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભારતે ચીનને આપ્યો ઝટકો

હવે ITBPના જવાનોએ પેંગોંગ તળાવ પાસે કબ્જો કર્યો

નવી દિલ્હી તા. ૫ : પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવના દક્ષિણ કિનારાના મુખ્ય પર્વતો પર ભારતીય સૈન્યની મોરચાબંદી બાદ ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના કમ સે કમ ૩૦ જવાનોએ કેટલાક નવા અને મહત્વપૂર્ણ મોરચાઓ પર ઝંડો લહેરાવી દીધો છે. આઇટીબીપી જવાનોએ ખૂબ જ મહત્વપૂર્ણ બ્લેક ટોપ એરિયા નજીક નવી જગ્યાઓ પર પોતાની મોરચાબંદી કરી લીધી છે. ભારત માટે આ મોટી સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર્વી લદ્દાખમાં એકચુઅલ કંટ્રોલ (LAC) પર તૈનાત ચીની સૈનિકોની દરેક હરકત ITBPના જવાનોની નજરમાં આવતી રહેશે.

મીડિયા રિપોર્ટસના મતે આઇટીબીપી જવાન ફુરચુક લા પાસથી પસાર થતા બ્લેક ટોપ સુધી પહોંચ્યું. ફુરચુક લા પાસ ૪૯૯૪ મીટરની ઉંચાઇ પર આવેલ છે. અત્યાર સુધી આઇટીબીપીની તૈનાતી માત્ર પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠે આવેલા ફિંગર ૨ અને ફિંગર ૩ વિસ્તારોની નજીક ધાન સિંહ પોસ્ટ પર જ રહેતી હતી.

આઇટીબીપી આઇજી (ઓપરેશન્સ) એમ.એસ. રાવતે કહ્યું કે, 'ITBPના ડીજીપી એસ.એસ.દેસવાલે ગયા અઠવાડિયે જવાનોની સાથે છ દિવસ પસાર કર્યા હતા અને તેમને એલએસી પર જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેવાનું કહ્યું હતં. પહેલી વખત આપણે સારી એવી સંખ્યા પર પર્વતો પર હાજર છીએ. આઈજી રાવતે પણ ડીજીપી દેસવાલની સાથે સરહદ પર છ દિવસ પસાર કર્યા હતા. તેમની સાથે આઈજી (પર્સનલ) દલજીત ચૌધરી અને આઈજી (લેહ) દીપમ પણ હતા.

દેસવાલે ૨૩ થી ૨૮ ઓગસ્ટ દરમ્યાન સરહદની મુલાકાત લીધી હતી અને અનેક ફોર્સ પોસ્ટ્સની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે જવાનોના 'વિપરીત પરિસ્થિતિઓમાં હિંમત દર્શાવવા બદલ' વખાણ કર્યા હતા. સૈનિકોનું સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે બોર્ડર આઉટપોસ્ટની વચ્ચે હિલચાલ માટે તેમણે વધારાના વાહનો પૂરા પાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હવે રસ્તાઓ બનાવવા પર ભાર મૂકવામાં આવશે જેથી હિલચાલ માટેના ખચ્ચરો પર નિર્ભરતા મર્યાદિત થઈ શકે.

આઇટીબીપીએ LAC પાસે અત્યાર સુધીમાં ૩૯થી વધુ જગ્યાઓ પર સ્થાયી મોરચાબંધી કરી લીધી છે. આઇટીબીપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં આઈટીબીપીના જવાનો ચૂશુલ અને તારા સરહદ ચોકી નજીક તૈનાત છે. ચંદીગઢથી વધારાની કંપનીઓને એરલિફટ કરવામાં આવી છે. આઇટીબીપીએ ૧૪ ઓગસ્ટે જાહેર કર્યું કે તેમણે ગેલેન્ટ્રી એવોર્ડ માટે પ્રસ્તાવિત કર્યા છે જેમણે મે-જૂનમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોનો મુકાબલો કર્યો હતો.

(12:57 pm IST)