Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સૌથી કદરૂપ, સેકસલેસ હોય છે ભારતીય મહિલાઓઃ બાળકો કઇ રીતે પેદા થાય છે તે ખબર નથી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસનનું ઝેરીલું નિવેદન બહાર આવ્યુ : પૂર્વ રાષ્ટ્રપતિની ટેપ સામે આવીઃ ભારતીય મહિલાઓને વિશ્વની સૌથી કદરૂપ ગણાવી હતી

વોશિંગટન, તા.૫: અમેરિકા અને વિશ્વના ઈતિહાસમાં સૌથી ચર્ચિત કૌભાંડોમાંથી એક વોટરગેટ સ્કેન્ડલ બાદ રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવેલ રિચર્ડ નિકસન એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે ભારત અને ભારતીય મહિલાઓ પર ખુબ વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને. રિચર્ડે ૧૯૭૧માં ભારતને ડરાવવા માટે બંગાળની ખાડીમાં પોતાના જહાજ મોકલ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલ નિવેદન સામે આવ્યું છે. એક ટેપમાં ખુલાસો થયો છે કે રિચર્ડે કહ્યુ હતુ કે, વિશ્વમાં સૌથી કદરૂપ દેખાડનારી મહિલાઓ ભારતીય છે.

પ્રિન્સટનના એકેડમિક ગેરી બાસને નવુ મટીરિયલ મળ્યું છે. તેમના પ્રમાણે રિચર્ડે કહ્યુ હતુ કે ભારતની મહિલાઓ ખુબ ધૃણાસ્પદ છે અને ભારતના લોકો પ્રતિકૂળ છે. આ નિવેદન નિકસન અને તેના તત્કાલીન સુરક્ષા સલાહકાર હેનરિ કિસિંગર અને વ્હાઇટ હાઉસ ઓફ ચીફ સ્ટાફ એચઆર હાલ્ડેમેન વચ્ચે જૂન ૧૯૭૧માં ઓવલ ઓફિસમાં થયેલી વાતચીત દરમિયાન આપવામાં આવ્યું હતું. રિચર્ડ નિકસન રાષ્ટ્રપતિસ્તકાલય અને સંગ્રહાલયમાંથી સામગ્રી ડીકલાસિફાઈ કરવા માટે કાયદાકીય મદદ લીધા બાદ બાસે આ ટેપ હાસિલ કરી છે.

આ દરમિયાન નિકસને કહ્યુ હતુ- તેમાં કોઈ શંકા નથી કે દુનિયામાં સૌથી કદરૂપ દેખાતી મહિલાઓ ભારતીય છે. આ લોક સૌથી સેકસલેસ છે. લોકો અશ્વેત આફ્રિકીઓ વિશે સવાલ કરે છે. ત્યાં ઓછામાં ઓછો જાનવરો જેવો તો ચાર્મ હોય છે, પરંતુ ભારત દમનીય છે. ભારતીયો વિરુદ્ઘ નિકસનનું આ ઝેર અહીં પૂરુ ન થયું. તેણે ૪ નવેમ્બર ૧૯૭૧ના કિસિંગરને કહ્યુ- તે મને ટર્ન ઓફ કરી દે છે. તે બીજા લોકોને કઈ રીતે (સેકશુઅલી) ટર્ન ઓન કરે છે?

ત્યારબાદ ૧૨ નવેમ્બર, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન તણાવ પર ચર્ચા વચ્ચે તે કિસિગર અને ગૃહ સચિવ વિલિયમ રોજર્સને કહે છે- મને નથી ખ્યાલ કે તે બાળકો કઈ રીતે પેદા કરે છે. બાસનુ કહેવું છે કે આ ટેપથી ખ્યાલ આવે છે કે તે કાળમાં દક્ષિણ એશિયાને લઈને અમેરિકાની નીતિ પર નિકસનની તે નફરતની કેટલી અસર રહી હશે. આ ટેપમાં કિસિંગરે ભલે નિકસનના નિવેદનો સાથે સૂર ન પૂરાવ્યો હોય, તેઓ આ દરમિયાન બંગાળમાં ઉભી થયેલા સંકટ માટે ભારતને જવાબદાર ગણાવે છે. કિસિંગરે ભારતીયો અને તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઈને ટિપ્પણીઓ પર માફી પણ માગી હતી.

(3:19 pm IST)