Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઓકિસજન લેવલ જળવાઈ રહે તે માટે ઉંધા માથે પેટ ઉપર સૂવાની ટેવ રાખવી

ઓકિસજન અને વેન્ટીલેટર પૂરતા પ્રમાણમાં : જરૂર પડ્યે ખાનગી હોસ્પિટલોને પણ આપીશુ

રાજકોટ : આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિએ આજે 'અકિલા' કાર્યાલયની મુલાકાતે પ્રજાજનો જાગૃત રહે તે માટે અનેકવિધ સુચનો કર્યા હતા અને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, શું પગલા લેવા જોઈએ તેની પૂરતી માહિતી આપી હતી જે ઉડતી નજરે અહિં આપેલ છે.

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ દરરોજ કોર કમીટીમાં બે કલાકથી પણ વધુ સમય માટે કોરોનાની પરિસ્થિતિ, વ્યવસ્થા સહિતના પ્રશ્નો અંગે ચર્ચા - જરૂરી પગલા સમગ્ર ટીમ દ્વારા લેવામાં આવી રહ્યા છે

 અમદાવાદ, સુરતમાં ટીમે સુંદર રીતે કામગીરી કરી છે એ જ રીતે રાજકોટમાં પણ સર્વેલન્સમાં ૧૨૦૦ની ટીમ કાર્યરત છે. જે એક - એક ઘરની અંદર એટલે કે દર ત્રણ દિવસે ઘરે - ઘરે જઈને એક નાનકડી ડિવાઈસ (પલ્સ ઓકસી મીટર) જેનાથી ઓકિસજન કેટલુ છે તે માપવામાં આવે છે. એ અગાઉ ૬૦૦ જેટલા હતા પણ અત્યારે ૨૦૦૦ વધારાના પલ્સ ઓકિસ મીટર લઈ લેવાયા છે. આ પલ્સ રેટ ૯૦ થી ઓછુ પલ્સ રેટ જોવા મળે તો તુરંત જ તેને આઈડેન્ટીફાય કરી શકાય. તેને હોમ આઈસોલેશન કરી જરૂરી દવાઓ તુરંત ચાલુ કરી દેવામાં આવે છે.

 ઓકિસજન માટે પણ ખાસ પ્રાવધાન આપવામાં આવ્યુ છે. સમરસમાં ૨૪૦ જેટલા બેડમાં ઓકિસજન પૂરૂ પાડવામાં આવે છે.

 ઉંધા માથે પેટ ઉપર સુવાની ટેવ રાખવી જોઈએ કે જેથી તમારૂ ઓકિસજન લેવલ જળવાઈ રહે

 છેલ્લા એક અઠવાડીયામાં જે કેસોમાં વધારો થઈ રહ્યો છે તે માટે અમદાવાદ, સુરતથી નિષ્ણાંતોની ટીમ રાજકોટના કોરોના વોરીયર્સને સપોર્ટ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં અને ફિલ્ડમાં પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપી રહી છે અને એક રણનીતિ સાથે કામગીરી થઈ રહી છે.

 મુખ્ય ત્રણ સ્ટ્રેટર્જી છે (૧) સર્વેલન્સ (ઘરે ઘરે જઈને ઓકિસજન માપવુ) (૨) ધન્વન્તરી રથ પણ ઘરે - ઘરે ફરી રહ્યો છે (૩) હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ સાથે અમારી ટીમ પણ દર્દીઓ સાથે વાત કરતા રહે છે. ટીમના સભ્યો પણ દરરોજ હોસ્પિટલમાં જઈ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખે છે.

 દરેક ઓફીસોમાં બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. (ભલે એ.સી. ચાલુ હોય તો પણ) રેલીંગને પણ અડવુ ન જોઈએ અને ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ. જેના માટે કલેકટરશ્રીની કચેરી એકદમ આઈડીયલ છે. આ બધી આપણને નાની - નાની બાબત લાગે પરંતુ ઘણો ફેર પડી શકે છે.

 રાજકોટવાસીઓ બિલકુલ ટેન્શન ન રાખે. પાબંધી રાખવાની છે. એક - એક બાબત ઉપર શિસ્તબદ્ધ રહેવાનું છે. એ જો ન રહે તો ચોક્કસ ચિંતાનો વિષય રહેવાનો છે. જાગૃત રહેવાની જરૂર છે.

 કપડા સૂકવવા માટેની જે કલીપ આવે છે એવી એક નાનકડી ડીવાઈસ છે જે આશરે રૂ. ૭૦૦ થી ૧૦૦૦ની આવે છે. જો શકય તો ઘરમાં પણ રાખવુ જોઈએ. હોમ આઈસોલેશન થનારાઓએ તો આ ડિવાઈસ ફરજીયાત રાખવી જોઈએ. ૯૫ થી ઓછુ થાય તો ચિંતાની જરૂર નથી અને ૯૦ થી ઓછુ થાય તો તુરંત પ્રાઈમરી હેલ્થ કેર સેન્ટર કે ખાનગી તબીબને બતાવી દેવુ જરૂરી છે. તાવ આવે કે કોઈપણ લક્ષણ હોય તમારો ટેસ્ટ થઈ પોઝીટીવ આવે તો જ આઈલેશન થઈશુ એ માનસિકતાને મગજમાંથી દૂર કરી નાખીએ. સામાન્ય લક્ષણ જેમ કે આપણને સામાન્ય તાવ હોય, જેઓને પણ આવી તકલીફ થાય તો પોતે જાતે જ બીજાથી અલગ કરી દેવા જોઈએ.

 રાજકોટમાં વેન્ટીલેટરની અછત છે એ ખોટી અફવા છે અને રાજય સરકાર દ્વારા ૧૦૦ વેન્ટીલેટર આવી ગયા છે. ખાનગી હોસ્પિટલોને પણ વેન્ટીલેટર જોઈએ તો લોન પેટે આપવા તૈયાર છીએ. તંત્ર દ્વારા ૧૭૦૦ બેડ પણ ઉપલબ્ધ છે. કોઈપણ ફરીયાદ માટે હેલ્પલાઈન સજ્જ છે. જો તેમાં કોઈપણ જાતની ફરીયાદ આવશે તો કડકમાં કડક પગલા લેવામાં આવશે.

 બાળકો, યુવાનો, વડીલો ફીટનેસ ઉપર ધ્યાન આપે. નિયમીત રીતે યોગ, કસરતો કરવી જોઈએ.

 કોરોનાના મૃત્યુ અંગેના ડેટા દરરોજ સવારે ૯ વાગ્યે જાહેર કરવામાં આવશે.

(3:20 pm IST)