Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૨૦૨૧માં પણ કોરોનાનો કહેર ચાલુ રહેવાની શક્યતા

એઈમ્સના ડાયરેક્ટરની ચેતવણી

નવી દિલ્હી,તા.૫ :  દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ચેતવણી આપી છે કે, ભારતમાં ૨૦૨૧માં પણ કોરોના વાયરસનો ઉત્પાત યથાવત રહેશે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્દ્રની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે, અમે એવુ નથી કહી રહ્યા કે ૨૦૨૧માં આ મહામારી નહીં હો પણ એટલુ કહી શકાય તેમ છે કે ૨૦૨૧માં કોરોનાની અસર અત્યારે છે તેના કરતા ઘણી ઓછી હશે. તેમણે કહ્યું કે, કોરોનાના કિસ્સાઓમાં ફરી ઉછાળો આવી રહ્યો છે.દેશના કેટલાક હિસ્સાઓણાં કોરોનાની બીજી લહેર હોય તેવુ લાગી રહ્યુ છે.આની પાછળ બે કારણ છે.એક તો કોરોનાનુ ટેસ્ટિંગ વધ્યુ છે અને બીજુ કે લોકો કોરોનાથી બચવા માટે તકેદારી રાખી રહ્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી શકે છે.ભારતમાં ત્રણ સ્વદેશી કંપનીઓ સહિત ઘણી કંપનીઓ વેક્સિન પર કામ કરી રહી છે પણ વેક્સિન સુરક્ષિત હોય તે જરુરી છે.કેટલાક મહિના હજી વેકિસન બનવામાં લાગી જશે.જો બધુ સમુ સુતરુ પાર ઉતરશે તો આ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર થઈ જશે.

(8:56 pm IST)