Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૧૩ દિ'માં ૧૦ લાખ ચેપગ્રસ્ત, અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર

૨૪ કલાકમાં ૮૬,૪૩૨ નવા કેસ સામે આવ્યા :શનિવાર સુધીમાં ૩૧૦૭૨૨૩ દર્દીઓ સ્વસ્થ થયા અને એ સાથે જ રિકવરી રેટ વધીને ૭૭.૨૩% થઈ ગયો છે

નવી દિલ્હી, તા. ૫ : ભારતમાં માત્ર ૧૩ દિવસના ગાળામાં કોરોના વાયરસની બીમારીના ૧૦ લાખ કેસ સામે આવ્યા છે. શનિવારે શુક્રવારથી પૂરા થતા ૨૪ કલાકમાં ૮૬,૪૩૨ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર સુધીમાં ૩૧,૦૭,૨૨૩ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે અને એ સાથે જ રિકવરી રેટ પણ વધીને ૭૭.૨૩% થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૪૦,૨૩,૧૭૯ થઈ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૯ દર્દીઓના મોત થયાં છે. આ સાથે જ કુલ ૬૯,૫૬૧ દર્દીનાં મોત થઈ ચુક્યાં છે. મંત્રાલય પ્રમાણે કોરોના દર્દીઓની સંખ્યા એક લાખ સુધી પહોંચવામાં ૧૧૦ દિવસ લાગ્યા હતા જ્યારે સંક્રમિતોની સંખ્યા એક લાખથી ૧૦ લાખ સુધી પહોંચવામાં ૫૯ દિવસ લાગ્યા.

             આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૦ લાખમાંથી ૨૦ લાખ પહોંચવામાં ૨૧ દિવસનો સમય લાગ્યો જ્યારે ૨૦ માંથી ૩૦ લાખ દર્દીઓ થવામાં ૧૬ દિવસ લાગ્યા જ્યારે સંક્રમિતોની સંખ્યા ૩૦ લાખમાંથી ૪૦ લાખ સુધી પહોંચવામાં માત્ર ૧૩ દિવસનો સમય લાગ્યો છે. દેશમાં કોરોનાના કારણે મોતના દરમાં ઘટાડો આવ્યો છે. હાલ મોતની ટકાવારી ૧.૭૩% થઈ છે. હાલ દેશમાં ૮,૪૬,૩૯૫ દર્દીઓ સારવાર હેઠળ છે. ૈંઝ્રસ્ઇ પ્રમાણે ચાર સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ ૪,૭૭,૩૮,૪૯૧ સેમ્પલની તપાસ કરવામાં આવી જેમાંથી ૧૦,૫૯,૩૪૬ સેમ્પલની તપાસ એકલા શુક્રવારે કરવામાં આવી છે.

       સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડઓ પ્રમાણે જે ૧૦૮૯ દર્દીઓના મોત છેલ્લા ૨૪ કલાકમાં થયાં છે તેમાં મહારાષ્ટ્રના ૩૭૮, કર્ણાટકના ૧૧૬, તમિલનાડુના ૭૯, આંધ્રપ્રદેશના ૭૬, ઉત્તરપ્રદેશના ૭૧, પશ્ચિમ બંગાળના ૫૮, પંજાબના ૪૯, મધ્યપ્રદેશના ૩૦, બિહારના ૨૯, છત્તીસગઢના ૨૨, પોંડીચેરીના ૨૦, હરિયાણાંના ૧૯, અસમના ૧૫, ગુજરાતના ૧૪ અને દિલ્હી-રાજસ્થાનના ૧૩-૧૩ સંક્રમિતો સામેલ છે. આ સિવાય જમ્મુ કાશ્મીર-ઉત્તરાખંડમાં ૧૨-૧૨, કેરળ-તેલંગણાંમાં ૧૧-૧૧, ઓડિશામાં ૯, ગોવામાં ૮, ત્રિપુરામાં ૭, ચંદીગઢમાં ૫, ઝારખંડ-મણિપુરમાં ૩-૩, હિમાચલ પ્રદેશમાં ૨, જ્યારે અંદામાન નિકોબાર-મેઘાલય-સિક્કિમ-નાગાલેન્ડમાં ૧-૧ દર્દીઓના મોત નોંધાયા છે. કોરોનાના કારણે દેશમાં ૬૯,૫૬૧ લોકોના મોત થયાં છે જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૨૫,૯૬૪, તમિલનાડુમાં ૭,૬૮૭, કર્ણાટકમાં ૬,૧૭૦, દિલ્હીમાં ૪,૫૧૩, આંધ્રપ્રદેશમાં ૪,૨૭૬, ઉત્તરપ્રદેશમાં ૩,૭૬૨, પશ્ચિમ બંગાળમાં ૩,૪૫૨, ગુજરાતમાં ૩,૦૭૬ અને પંજાબમાં ૧,૭૩૯ દર્દીઓના મોત થયાં છે.

(9:01 pm IST)