Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કોંગ્રેસના કેટલાક નેતાઓ મને ચૂંટણી લડતા રોકવા માગે છે : થરૂર

કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણી વધુ રસપ્રદ બની : મારો વિરોધ કરનારા નેતાઓની વાત પર રાહુલે ધ્‍યાન ન આપ્‍યુ અને મને ચૂંટણી લડવા માટે કહ્યું : કોંગ્રેસ સાંસદ

નવી દિલ્‍હી,તા. ૫ : કોંગ્રેસના અધ્‍યક્ષની ચૂંટણી યોજાવા જઇ રહી છે.આ ચૂંટણીમાં ઉમેદવારી કરનારા કોંગ્રેસના નેતા શશિ થરૂરે જણાવ્‍યુ હતું કે મને કેટલાક નેતાઓ ચૂંટણી લડવા રોકવા માગે છે જો કે રાહુલ ગાંધીએ આ નેતાઓની વાત પર ધ્‍યાન ન આપ્‍યુ અને મને ચુંટણી લડવાની તક આપી. રાહુલ ગાંધી જ ઇચ્‍છે છે કે હું કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણી લડું.

શશિ થરૂરે જણાવ્‍યુ હતુ કે હાલમાં જ મારી મુલાકાત રાહુલ ગાંધી સાથે થઇ હતી, આ દરમિયાન જ રાહુલ ગાંધીએ મને કહ્યુ હતુ કે કેટલાક નેતાોઅ મને કહી રહ્યા છે કે હું શશિ થરૂરને કહીને પ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવારી પરત લેવડાવું જો કે મે આ નેતાઓની વાત માનવાની ના પાડી દીધી હતી.

શશિ થરૂરે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી જ ઇચ્‍છતા હતા કે હું કોંગ્રેસના અધ્‍યક્ષની ચૂંટણી લડું અને તેઓના કહેવાથી જ મે ચુંટણી લડવાનો નિર્ણય લીધો હતો. રાહુલ ગાંધીનું માનવું છે કે ચુંટણી યોજવાથી પક્ષને જ ફાયદો થશે. થરૂરે સાથે એવો પણ દાવો કર્યો હતો કે મને આ ચૂંટણીમાં મત મળશે. કોંગ્રેસના અધ્‍યક્ષની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ શશિ થરૂરની વચ્‍ચે ચૂંટણી યોજાવા જઇ રહી છે. આઠમી તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આ દિવસે બેમાંથી કોઇ એક ઉમેદવારી પરત ન લે તો ૧૭મીએ ચૂંટણી યોજાશે. અને ૧૯મીએ પરીણામો જાહેર કરવામાં આવશે.

(10:25 am IST)