Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દેશમાં રોજ ૬ લાખ કરોડનું મૂલ્‍ય ધરાવતા ૩૧ કરોડ ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન થાય

નોટબંધી પછી ડિજિટલ ટ્રાન્‍ઝેકશનની શરૂઆત : રૂા. ૧૦ના સિક્કાની ૨૪ વેરાઇટી છે અને બધા ચલણમાં છે, માન્‍ય છે, કોઇ ઇનકાર કરી શકે નહીં -RBI: કોવિડ પહેલા ડિજિટલ ટ્રાન્‍જેક્‍શનનું પ્રમાણ ૪૦ ટકા હતું, કોવિડ પછી ૬૦ ટકાનો વધારો : દેશમાં કોવિડ પહેલા ડિજિટલ ટ્રાન્‍ઝેકશનનું પ્રમાણ ૪૦ ટકા હતુ

નવી દિલ્‍હી,તા. ૫ : દેશમાં કોવિડ પહેલાં ડિજિટલ ટ્રાન્‍ઝેકશનનું પ્રમાણ ૪૦ ટકા હતું. નોટબંધી પછી ડિજીટલ ટ્રાન્‍ઝેકશનની શરૂઆત થઈ હતી. પરંતુ કોવિડના સમયગાળામાં લોકોને ડિજિટલ ટ્રાન્‍ઝેકશનનું મહત્ત્વ સમજાયું હતું. તેના કારણે કોવિડ પછી ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનમાં ૬૦ ટકાનો વધારો થયો છે. આજે દેશમાં રોજ ૬ લાખ કરોડનું મૂલ્‍ય ધરાવતા ૩૧ કરોડ ડિજીટલ ટ્રાન્‍ઝેક્‍શન થાય છે. રિઝર્વ બેંક ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન ઝડપી, સસ્‍તુ અને સરળ રીતે તે માટે કાર્યરત છે. ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન માટે સ્‍માર્ટ ફોન જોઈએ પરંતુ અમે ફીચર ફોનથી પણ ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન થાય તેવી સિસ્‍ટમ લોન્‍ચ કરી છે. જયાં કનેક્‍ટિવિટી નથી ત્‍યાં આ સિસ્‍ટમ ઉપયોગી નિવડશે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા આયોજીત કાર્યશાળામાં આરબીઆઈના ટોચના અધિકારીઓએ જણાવ્‍યું હતું.

કાર્યશાળામાં અધિકારીઓએ કહ્યું કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ફ્રોડ થતા હતા તેને અટકાવવા અમે ટોકનાઈઝેશન સિસ્‍ટમ લાવ્‍યા છીએ. એક વર્ષથી ક્રેડિટ કાર્ડ એક્‍ટિવ ના હોય તો તેને બંધ કરવા બેંકોને કહ્યું છે. જે બેંકો તેનો ભંગ કરે તેને પેનલ્‍ટી કરવામાં આવે છે. તમારા કાર્ડમાં તમે રોકડ ઉપાડની લિમિટ નક્કી કરી શકો છો. જો વિદેશમાં ટ્રાન્‍ઝેક્‍શન કરવાના ના હોય તો બંધ કરી શકો છો. જેમની પાસે પીઓએસ મશીન નથી તેવા વેપારીઓ માટે અમે રૂ.૧૦૦માં ક્‍યુઆર કોડ ઉપલબ્‍ધ કરાવ્‍યો છે. તેનાથી પેમેન્‍ટ થઈ જાય છે અને વેપારીને પૈસા મળી જાય છે.

અધિકારીઓએ મહત્ત્વની વાત કરતા કહ્યું કે રૂ.૧૦ના સિક્કા નહીં સ્‍વીકારાતા હોવાની ફરિયાદ વધુ છે. રૂ.૧૦ના સિક્કાની કુલ ૨૪ વેરાઈટી છે અને આ બધા સિક્કા ચલણમાં છે, માન્‍ય છે. તેનો કોઈ ઈન્‍કાર કરી શકે નહીં. દેશમાં સિક્કાના વિતરણ માટે ૩,૦૦૦ ડેપો છે. ગંદી નોટ અંગે અધિકારીઓએ કહ્યું કે આરબીઆઈ ક્‍લિન અને જેન્‍યુઈન નોટનો આગ્રહ રાખે છે. તેના કારણે જયારે કરન્‍સી ચેસ્‍ટમાં ખરાબ નોટ આવે છે તેનો નાશ કરવામાં આવે છે. નાશ કરવાની જુદી જુદી પદ્વતિ છે જેવી કે ઈંટ બનાવાય છે, લેન્‍ડફીલ માટે લઈ જવાય છે, તેને બાળી નાખવામાં આવે છે. ઘણા રિસર્ચ ઓર્ગેનાઈઝેશન પણ આવી નોટ લઈ જાય છે.

(10:29 am IST)