Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

બિહારમાં કોચિંગ સેન્ટર્સ બંધ થતાં છાત્રોનો હોબાળો

કોરોનાની વચ્ચે સરકારના નિર્ણય સામે આક્રોશ : પોલીસે ભારે મહેનત બાદ સ્થિતિ પર કાબૂ, ઉપદ્રવીઓને કાબૂમાં લેવા ટીઅર ગેસના શેલ છોડ્યા, ૯ની ધરપકડ

પટણા, તા. : બિહારમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કોચિંગ સેન્ટર્સ બંધ કરાવવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓએ સોમવારે સાસારામ ખાતે હોબાળો કર્યો હતો અને તોડફોડ સાથે આગજનીની ઘટના બની હતી. કેસમાં પોલીસે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ જ્યારે ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હતા તે સમયે એસપીએ વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય બરબાદ કરવા અને ઉપદ્રવ કરવાના બદલે ઘરે જતા રહેવા સમજાવવા પ્રયત્ન કર્યો હતો.

અનેક વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યાર બાદ સાસારામના પોસ્ટ ઓફિસ ચોક અને ગૌરક્ષણી બજારમાં આગજની શરૂ થઈ ગઈ હતી. લોકોએ કલેક્ટ્રેટ પરિસરમાં ઘૂસીને શેડને આગને હવાલે કરી દીધા હતા અને ખૂબ તોડફોડ કરી હતી. ઘમસાણમાં થાણા અધ્યક્ષ નારાયણ સિંહ સહિત પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે ભારે મહેનત બાદ સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અને ઉપદ્રવી વિદ્યાર્થીઓને કાબૂમાં લેવા ટીઅર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

તોડફોડ બાદ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે તૈનાત થઈ ગયું હતું અને એક ડઝનથી પણ વધારે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે, તમામ પ્રકારની ગતિવિધિઓ સંચાલિત છે પરંતુ કોચિંગ ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને બંધ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ ઉપરાંત પત્રકારો પણ ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે શાળા, કોલેજ અને કોચિંગ સેન્ટરને ૧૧ એપ્રિલ સુધી બંધ કરી દીધા છે.

(12:00 am IST)