Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ, જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: નક્સલવાદ વિરૂદ્ધ અભિયાન તેજ બનાવાશે

શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નક્સલ સમસ્યા પર અધિકારીઓ સાથે બેઠક કરી

રાયપુર: છત્તીસગઢના બીજાપુર સ્થિત સીઆરપીએફ કેમ્પમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જવાનો સાથે મુલાકાત કરી હતી. જવાનોને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કહ્યુ કે નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોને હું વડાપ્રધાન, મારી તરફથી અને દેશની જનતા તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવુ છું, તેમના બલિદાનને દેશ ભુલાવી નથી શકતું, તેમના પરિવારો પ્રત્યે દેશની સહાનૂભૂતિ છે. તમે કેટલાક સાથી જરૂર ગુમાવ્યા છે, તમારા સાથીઓનું બલિદાન વ્યર્થ નહી જાય

જે ઉદ્દેશ્ય માટે તેમણે બલિદાન આપ્યુ છે, નિશ્ચિત રીતે તે ઉદ્દેશ્ય પુરૂ થશે અને જીત અમારી થશે. આ લડાઇ છે અને આ લડાઇને અમે અંજામ સુધી પહોચાડવાની છે. જે હથિયાર નાખીને આવવા માંગે છે, તેમનું સ્વાગત છે પરંતુ હાથમાં જો હથિયાર છે તો અમારી પાસે પણ કોઇ રસ્તો નથી. નબળાઇ સુધારવા માટે તુરંત કાર્યવાહી કરીશું. ગૃહમંત્રીએ સીઆરપીએફના જવાનો સાથે ભોજન પણ કર્યુ હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે નક્સલવાદ સાથેની લડાઇને સરકાર નિર્ણાયક મોડ સુધી લઇ જશે. હવે નક્સલીઓના વિસ્તારમાં ફોર્સ ઘુસી ચુકી છે, અભિયાન વધુ તીવ્ર બનશે.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સોમવારે બીજાપુર જિલ્લાના તર્રેમમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નક્સલ સમસ્યા પર અહીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, તે બાદ ઘાયલ સીઆરપીએફ જવાનો સાથે વાતચીત કરી હતી અને તેમણે સંબોધિત કર્યા હતા

 

અમિતભાઈ  શાહે કહ્યુ કે આ રીતના હુમલાથી નક્સલવાદ વિરૂદ્ધ લડાઇ રોકાશે નહી. આ લડાઇને અંત સુધી લઇ જઇશું. નક્સલવાદ વિરૂદ્ધ વિજય નિશ્ચિત છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સતત નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આગળ વધી રહ્યુ છે, તેમના પ્રભાવ ધરાવતા અંદરના વિસ્તારમાં સતત કેમ્પ ખોલવામાં આવી રહ્યા છે જેનાથી તે ડરી ગયા છે. આદિવાસી વિસ્તારમાં વિકાસની અસમાનતાને દૂર કરવી જરૂરી છે. આ સાથે જ નક્સલવાદ સામે પણ લડવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ બન્ને મોરચા પર પગથી પગ મીલાવીને લડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરિક સુરક્ષા અને વિકાસ બન્ને મુદ્દા પર પ્રાથમિકતા નક્કી કરી છે. અમિત શાહે કહ્યુ કે જે જગ્યાએ અથડામણ થઇ છે તે નક્સલીઓનો કોર વિસ્તાર છે. જેનાથી ખબર પડે છે કે અમે તેમના વિસ્તારમાં ઘણા આગળ સુધી પહોચી ચુક્યા છીએ.

 છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના 23 જવાન શહીદ થયા છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતા અને કપડા પણ ઉતારીને લઇ ગયા હતા. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.

(12:00 am IST)