Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દેશમાં સરેરાશ તાપમાન રહયું ૩૨.૬૫ ડિગ્રી

ગરમીએ તોડયા બધા રેકોર્ડઃ ૧૨૧ વર્ષનાં ઇતીહાસમાં ત્રીજો સૌથી ગરમ રહયો માર્ચ

નવી દિલ્હી, તા.૬: હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, માસિક સરેરાશ મહત્ત્।મ તાપમાન અનુસાર ૧૨૧ વર્ષમાં આ વખતે ત્રીજો સૌથી ગરમ માર્ચ મહિનો રહ્યો છે. મહિના માટે તેની સમીક્ષામાં હવામાન વિભાગ (આઇએમડી) એ જણાવ્યું છે કે, પર્યાવરણની અવધિમાં સામાન્ય ૩૧.૨૪ ડિગ્રી, ૧૮.૮૭ ડિગ્રી અને ૨૫.૦૬ ડિગ્રી સેલ્સિયસની તુલનામાં સમગ્ર દેશ માટે માસિક મહત્તમ, લઘુત્તમ અને મધ્યવર્તી તાપમાન અનુક્રમે ૩૨.૬૫ ડિગ્રી સેલ્સિયસ, ૧૯.૯૫ ડિગ્રી સેલ્સિયસ અને ૨૬.૩૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યુ.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 'માર્ચ ૨૦૨૧ દરમિયાન ઓલ ઈન્ડિયા સરેરાશ માસિક મહત્ત્।મ તાપમાન છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી ગરમ અને છેલ્લા ૧૨૧ વર્ષમાં ત્રીજો સૌથી ગરમ માર્ચ મહિનો રહ્યો છે. અગાઉ આ તાપમાન ૨૦૧૦ અને ૨૦૦૪ માં અનુક્રમે ૩૩.૦૯ ડિગ્રી અને ૩૨.૮૨ ડિગ્રી સેલ્સિયસ હતું. 'હવામાન વિભાગે તેના અગાઉનાં અહેવાલમાં જણાવ્યું હતું કે મધ્યવર્તી અને લઘુત્તમ તાપમાન અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી પણ ૧૨૧ વર્ષમાં ત્રીજા અને બીજા સૌથી ગરમ મહિના રહ્યા હતા.

માર્ચમાં દેશનાં ઘણા ભાગોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૯-૩૧ માર્ચ દરમિયાન ઘણી જગ્યાએ હીટવેવનાં સમાચાર હતા, જયારે પશ્ચિમ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ 'તીવ્ર ગરમી'ની પરિસ્થિતિ હતી. વિભાગ અનુસાર, ૩૦-૩૧ માર્ચ દરમિયાન પૂર્વી રાજસ્થાન અને ૩૧ માર્ચે ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં ગંગાનાં મેદાનોમાં કેટલાક સ્થળોએ, દરિયાકાંઠાનાં આંધ્રપ્રદેશ, તમિલનાડુમાંથી હીટવેવનાં અહેવાલ પણ મળ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે, 'બારીપદા (ઓડિશા) માં ૩૦ માર્ચે મહત્ત્।મ તાપમાન ૪૪.૬ ડિગ્રી નોંધાયું હતું.'

(10:40 am IST)