Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઇમરાન ખાને મહિલાઓને રેપથી બચવા પડદામાં રહેવાની શીખામણ આપી : લોકોએ વાયરલ કર્યા બિકિનીમાં મહિલા સાથેના વિડિયો

ઇમરાન ખાને અશ્લીલતા ફેલાવવા માટે ભારત અને યુરોપ જેવા દેશોને જવાબદાર ગણાવ્યા

ઇસ્લામાબાદ, તા. ૬ :પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને પોતાની ખોટી નીતિઓના કારણે સતત લોકોના નિશાન પર રહે છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાનમાં વધી રહેલી રેપની દ્યટનાઓને લઈ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેથી લોકોએ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે.

હકીકતે પાકિસ્તાનમાં દુષ્કર્મની ઘટનાઓ વધી ગઈ હોવાથી ત્યાંના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને મહિલાઓને પડદામાં રહેવાની સલાહ આપી હતી જેથી તેઓ લોકોના નિશાન પર આવી ગયા છે. લોકોએ સોશિયલ મીડિયામાં ઈમરાન ખાનની જૂની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા અને પોતાની ભડાસ કાઢી હતી.

લોકો જે તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે તે ઈમરાન ખાન ક્રિકેટર હતા તે સમયના છે જેમાં તેઓ દરિયા કિનારે બિકિની પહેરેલી મહિલાઓ સાથે જોવા મળી રહ્યા છે. ઈમરાન ખાને દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટના માટે પડદાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું મહિલા વિરોધી નિવેદન આપ્યું હતું અને જનતાનો સહયોગ માંગ્યો હતો.

આ ઉપરાંત તેમણે અશ્લીલતા ફેલાવવા માટે ભારત અને યુરોપ જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા હતા. ઈમરાન ખાને કહ્યું કે, 'દિલ્હીને રેપ કેપિટલ કહેવામાં આવે છે અને યુરોપમાં અશ્લીલતાએ તેમની પારિવારિક વ્યવસ્થા બરબાદ કરી દીધી છે.'

(10:41 am IST)