Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

૧૦૧ વર્ષના પતિ અને ૯૦ વર્ષના પત્ની : દંપતિના લગ્નને ૭૨ વર્ષ થયા : ખોલ્યુ સુખી જીવનનું રહસ્ય

આજે જ્યારે લગ્નજીવનમાં ભંગાણ-મતભેદો -ત્રાસના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ દંપતિ ૭૨ વર્ષથી સાથે રહે છે

બંગ્લોર,તા. ૬: લગ્ન સરળ નથી. પતિ-પત્ની વચ્ચે સમજણ અને પ્રેમ હોય તો સંસાર સુખેથી ચાલે છે. પરંતુ બેમાંથી એક પણ વાંકું ચાલે તો સંસારને વેરવિખેર થવામાં વાર નથી લાગતી. લગ્ન કરીએ ત્યારે સાત જન્મના વચન આપતાં કેટલાય કપલ એક ઉંમર પણ સાથે વિતાવી નથી શકતા. આ વચ્ચે કેટલાક કપલ એવા પણ હોય છે જેમના લગ્નને ભલે ગમે તેટલા વર્ષ થયા હોય પણ સંબંધની સુગંધ તાજી જ લાગે છે. આવું જ એક વયોવૃદ્ઘ કપલ છે જે છેલ્લા ૭૨ વર્ષથી સાથે રહે છે.

૭૨ વર્ષના લગ્નજીવનમાં આ દંપતીએ કેટલાય તડકા-છાંયડા જોયા હશે છતાં તેઓ એકબીજા સાથે ખૂબ ખુશ છે. વધતી ઉંમરના કારણે તેમનામાં કેટલીક શારીરિક ખામી ભલે આવી હોય પરંતુ પ્રેમમાં જરાપણ ઓટ નથી આવી! આ દંપતીમાં પતિ ૧૦૧ વર્ષની ઉંમરના છે અને પત્ની ૯૦ વર્ષનાં. તેમની જોડીને જોઈને લાગે કે બસ તેઓ આમ જ સાથે રહે.

આ વયોવૃદ્ઘ દંપતીએ ૭૨ વર્ષના સુખી લગ્નજીવનના રહસ્યો પણ વહેંચ્યા છે. 'હ્યુમન્સ ઓફ બોમ્બે' નામના પેજ પર આ દંપતીએ પોતાના સુખી લગ્નનું રહસ્ય જણાવ્યું છે. આ પેજ લોકોની મુશ્કેલીઓ અને સફળતાની સુંદર વાર્તાઓ શેર કરવા માટે જાણીતું છે. ત્યારે પેજ પર શેર કરવામાં આવેલો કપલનો વિડીયો દિલ જીતી લેશે. વિડીયો શેર કરતાં લખવામાં આવ્યું છે, 'કેવી રીતે આટલું લાંબુ ખેંચી શકયા? ૭૨ વર્ષ અને ગણતરી હજી ચાલુ છે. આ કપલ તેમના રહસ્ય જણાવી રહ્યું છે!'

વિડીયોમાં દંપતી બોલીને તો કંઈ નથી કહેતા પરંતુ વિડીયોમાં દેખાતી ટેકસ્ટ તરફ ઈશારો કરીને પોતાની વાત જણાવી દે છે. શરૂઆતમાં બંને પોતાની ઉંમર જણાવે છે અને તેઓ ૭૨ વર્ષથી પરણેલા છે તેમ કહે છે. સૌથી પહેલી સલાહ ૧૦૧ વર્ષના દાદા તરફથી આવે છે. તેઓ કહે છે, 'તેણી હંમેશા કહે છે કે શું કરવું. યોગ્ય એ જ છે કે ચૂપચાપ સાંભળી લેવું.' વિડીયોમાં આગળ દાદા-દાદી જમતાં જોવા મળે છે. આ સાથે જ લખેલું છે, 'દિવસનું એક ટંકનું ભોજન તો સાથે લેવાનો આગ્રહ રાખો.' આગળ બંને પોતપોતાના કામમાં પરોવાયેલા જોવા મળે છે. લખ્યું છે, 'કયારેક તમારે થોડા બહેરા અને થોડા મૂરખ હોવાનો દેખાડો કરવો પડે છે.' પછી તેઓ એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે. ત્યાં લખ્યું છે, 'પરિસ્થિતી ગમે તેવી આવે એકબીજાનો હાથ હંમેશા પકડીને રાખજો.' આગળ બંને સાથે બેઠેલા જોવા મળે છે અને લખ્યું છે, 'હંમેશા પહેલા માફી માગી લો.' છેલ્લે દાદા-દાદી હાથ મિલાવે છે. ત્યાં લખ્યું છે, 'હંમેશા સાથે રહેવાનું વચન આપો અને હાથ મિલાવી દો.'

આ દંપતીનું એક ઈન્સ્ટાગ્રામ પેજ પણ છે. જે તેમના પરિવાર દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. આ પેજ પર દાદા-દાદીની કેટલીક તસવીરો અને વિડીયો છે. આ કપલ બેંગાલુરુમાં રહે છે. આ કપલના વિડીયોને સ્ટોરી લખાઈ ત્યાં સુધીમાં ૩ લાખથી વધારે વ્યૂ મળી ચૂકયા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ દંપતી પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

(10:42 am IST)