Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

પાંચ રાજ્યોમાં ચૂંટણી મહાસંગ્રામ : બપોર સુધીમાં ટનાટન મતદાન

કુલ ૪૭૫ બેઠકો : બીજી મેના રોજ મતગણતરી : પ.બંગાળમાં હિંસા વચ્ચે મતદાન : રજનીકાંત - કમલ હસન - સ્ટેલીન સહિતની હસ્તીઓનું વોટીંગ : ઠેરઠેર લાંબી લાઇનો

નવી દિલ્હી તા. ૬ : દેશના ચાર રાજય પશ્યિમ બંગાળ તામિલનાડુ આસામ કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં  વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આસામ, પુડ્ડુચેરી, કેરળ અને તામિલનાડુમાં આજે મતદાન સંપન્ન થશે. જે બાદમાં બીજી મેના રોજ મગતણતરી યોજાશે. જયારે પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પશ્યિમ બંગાળમાં હજુ પાંચ તબક્કાનું મતદાન બાકી રહેશે. ઉલ્લેખનીય છે કે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થશે. સવારની સુસ્તી બાદ બપોર સુધીમાં ૫.બંગાળમાં અંદાજે ૫૪ ટકા, આસામમાં ૫૫ ટકા, કેરળમાં ૪૮ ટકા, પોંડિચેરીમાં ૫૪ ટકા, તામિલનાડુમાં ૪૧ ટકા થયું છે.

પ.બંગાળમાં મહદ અંશે હિંસા વચ્ચે બપોર સુધીમાં ટનાટન મતદાન થઇ રહ્યું છે. આરમબાગમાં ટીએમસીના ઉમેદવાર સુનીતા મંડલ પર હુમલો થયો છે. ટીએમસીનો આરોપ છે કે તેના પર ઇંટોથી હુમલો કરવામાં આવ્યો છે.

આજે કેરળની ૧૪૦, તામિલનાડુની ૨૩૪ અને પુડ્ડુચેરીની ૩૦ બેઠક પર વોટિંગ થઈ રહ્યું છે. આ તમામ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેન્દ્રીય સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. આસામમાં આજે ત્રીજા તબક્કાની ૪૦ બેઠક માટે મતદાન યોજાયું છે. જયારે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં ૩૧ બેઠક માટે મતદાન યોજાયું છે.

પીએમ મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરતું ટ્વીટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, 'આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્યિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે. હું આ રાજયોના લોકોને અને ખાસ કરીને યુવાઓને અપીલ કરૃં છું કે મોટા પ્રમાણમાં વોટિંગ કરો.'

તમિલનાડુમાં આજે ૨૩૪ બેઠક પર મતદાન થઈ રહ્યું છે ત્યારે સુપરસ્ટાર કમલ હાસન, તેમની દીકરી શ્રુતિ હાસને વોટિંગ કર્યું હતું. તમિલનાડુના સુપરસ્ટાર રજનીકાંતે પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમે મતદાન કેન્દ્ર ખાતે વોટિંગ કર્યું હતું. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, 'અમારૃં ધર્મનિરપેક્ષ પ્રગતિશીલ ગઠબંધન એક શાનદાર જીત માટે તૈયાર છે. તામિલનાડુના લોકો હવે બદલાવ ઈચ્છે છે.'

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને આ વખતે ભારતીય જનતા પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે. રાજયમાં ૨૭૪ વિધાનસભાની બેઠક માટે ૨૭મી માર્ચથી ૨૯ એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ફકત પાંચ જિલ્લાની ૩૦ બેઠક માટે મતદન યોજાયું હતું. બીજા તબક્કામાં પણ ૩૦ બેઠક માટે મતદાન યોજાયું હતું. ત્રીજા તબક્કામાં ૩૧ બેઠક માટે મતદાન યોજાયું છે. હવે પાંચ તબક્કાનું મતદાન બાકી રહેશે.

દેશના પાંચ રાજયોમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં આજે મતદાન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન થાય છે. જયારે અસમમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ સિવાય તમિલનાડુ, પોંડીચેરી અને કેરળમાં તમામ સીટો પર આજે એક જ તબક્કામાં મતદાન થયું. કુલ મળીને ૪૭૫ વિધાનસભાની સીટો પર આજે મતદાન થઇ રહ્યું છે.

મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ રાજયોના ચૂંટણી પરિણામ ૨જી મેના રોજ એક સાથે આવશે. બંગાળની વાત કરીએ તો અહીં ત્રીજા ચરણમાં ૩૧ સીટો પર મતદાન ચાલુ છે. આ તબક્કામાં ૭૮ લાખ ૫૦ હજાર વોટર રજિસ્ટર્ડ છે. પશ્ચિમ બંગાળમાં સવારે ૭થી સાંજના ૬.૩૦ સુધી મતદાન થશે. આ પહેલાના બે તબક્કાઓમાં મોટી સંખ્યામાં મતદાન થયુ હતુ.

અસમની વાત કરીએ તો આજે ત્રીજા અને અંતિમ ચરણમાં ૪૦ સીટો પર મતદાન થઇ રહ્યું છે. રાજયના મંત્રી હેમંત બિસ્વા સહિત ૩૩૭ ઉમેદવારોનું નસીબ આજે ઈવીએમમાં સીલ થઇ રહ્યું છે. તમિલનાડુની ૨૩૪ સીટો માટે આજે એક જ તબક્કામાં મતદાન થઈ જશે. અહીં AIADMK સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે તો DMK સત્તામાં વાપસીના પૂરા પ્રયાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી, નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ, ડીએમકે ચીફ એમ.કે.સ્ટાલિન, એકટર કમલ હસન વગેરે પણ મેદાનમાં છે.

પોંડિચેરીની ૩૦ વિધાનસભા સીટો માટે આજે મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ અહીં નારાયણસ્વામીના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારે બહુમત ગુમાવી દીધો હતો અને અહીં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. કેરળમાં વિધાનસભાની કુલ ૧૪૦ સીટો છે અને તમામ સીટો પર આજે એક જ તબક્કામાં મતદાન થઈ જશે. લાંબા સમયથી અહીંયા સીપીઆઈ(એમ)ના નેતૃત્વ વાળી એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વ વાળી યુડીએફ એક પછી એક સરકાર બનાવે છે. આ વખતે ભાજપાએ અહીં જીતવા માટે ઘણી મહેનત કરી છે.

(4:00 pm IST)