Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મુંબઈમાં ફલેટના વેચાણમાં ઘટાડો

સ્ટેમ્પ ડયુટીના લાભ લંબાવોઃ ડેવલોપરોની વિનંતી

મુંબઈઃ  ૧લી એપ્રિલથી ફરી સ્ટેમ્પ ડયુટીના જૂના દર લાગુ પડતા મુંબઈમાં ફ્લેટોના વેચાણને ફટકો પડયો છે. રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ વિભાગ તરફથી મળેલી માહિતી અુનસાર ૩જી એપ્રિલ સુધીમાં માત્ર ૫૪૪ ફ્લેટોના વેચાણ રજીસ્ટર થયા હતા અને મહેસૂલ વિભાગને માત્ર રૂ.૨૩.૨૨ કરોડની આવક થઈ હતી. અગાઉ જયારે સ્ટેમ્પ ડયુટીમાં લાભ અપાયા હતા. ત્યારે રોજના લગભગ ૫૦૦ થી ૭૦૦ ઘરોના વેચાણ રજીસ્ટર થઈ રહ્યા હતા.

 

મુંબઈના ડેવલપરોના મતે મુંબઈમાં ઘર ખરીદનારાઓએ ઓછી સ્ટેમ્પ ડયુટીના લાભ મેળવવા રીતસરની દોટ મુકી હતી. જેના કારણે મુંબઈમાં ફ્લેટોના વેચાણમાં  અભૂતપૂર્વ વધારો નોંધાયો હતો. જો કે સરકારે સ્ટેમ્પ ડયુટીના લાભ લંબાવવા માટે નનૈયો ભણતા ઘર ખરીદનારાઓનો ઉત્સાહ ઓસરી ગયો છે. એપ્રિલની શરૂઆતના દિવસોમાં મળેલા આંકડાથી આ બાબત સાબિત થાય છે. આ આંકડા દર્શાવે છે કે ફ્લેટ ખરીદનારા હવે પોતાનો નિર્ણય મોકૂફ રાખી રહ્યા છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સુધારો જળવાઈ રહે અને ઘર ખરીદનારા ફરી ઉત્સાહ દાખવે એના માટે ડેવલપરોએ સરકારને સ્ટેમ્પ ડયુટીના લાભ લંબાવવાની વિનંતી કરી છે.

(12:58 pm IST)