Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને આપ્યો નિર્દેશ : ફરી આવી રહ્યા છે ઘરમાં પુરાવાના દિવસો!

૩-૪ દિવસનું લોકડાઉનઃ વિકએન્ડ કર્ફયુ લાદો

કોરોનાની ચેઇન તોડવી જરૂરી છેઃ હાલની સ્થિતિ કફર્યુ લગાવવા જેવી છેઃ વાયરસને ફેલાતો રોકવા નક્કર પગલા, જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા જરૂરી છેઃ રાજકીય મેળાવડા પણ બંધ કરવા આદેશ : રાજ્ય સરકારની ટૂંક સમયમાં કોર કમિટીની મીટીંગ મળશે અને તેમાં કર્ફયુ-લોકડાઉન અંગે નિર્ણય લેવાશે

અમદાવાદ, તા., ૬: ગુજરાતમાં કોરોના મહામારીનો અજગર ભરડો જોવા મળી રહયો છે. જીવલેણ વાયરસના કેસ અથવા મૃત્યુઆંક રોજે-રોજ વધી રહયા છે અને દિવસેને દિવસે કાળમુખો કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહયો છે ત્યારે ગુજરાત  હાઇકોર્ટે કોરોના મામલે રાજય સરકારને ટકોર કરવાની ફરજ પડી છે. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની ચેઇન તોડવા માટે ૩-૪ દિવસનું લોકડાઉન અને વિક એન્ડ કફર્યુ લાદવા રાજય સરકારને નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળે છે.

ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સ્થિતિ લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે અને સ્થિતિ દિવસેને દિવસે સ્ફોટક બની રહી છે ત્યારે આવા કડક પગલા લેવા જરૂરી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે હાલની સ્થિતિ કફર્યુ લાદવા જેવી છે અને કોરોનાને અટકાવવા નક્કર પગલા લેવા પણ જરૂરી છે. હાઇકોર્ટે રાજકીય મેળાવડા બંધ કરવા, જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા તથા કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું જરૂરી હોવાનું કહયું હતું.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં એકધારા કેસ વધી રહયા છે ત્યારે હાઇકોર્ટે આવો નિર્દેશ આપ્યો છે. રાજય સરકારને કડક કાર્યવાહી કરવા અને કોરોનાને રોકવા જરૂરી પગલા લેવા પણ નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આદેશ આપ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજય સરકાર દોડતી થઇ છે અને હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઇ નિર્ણય લેવાશે તેવું જાહેર થયું છે. રાજય સરકારની કોર કમીટીની મીટીંગ સાંજ સુધીમાં મળશે અને કોઇ નિર્ણય લેશે તેવું જણાય છે.

ગુજરાત હાઇકોર્ટે એવું પણ કહયું હતું કે, લોકોમાં શિસ્ત લાવતા પહેલા રાજય સરકારે પણ સ્વયંશિસ્ત રાખવાની જરૂર છે.

અત્રે એ નોંધનીય છે કે મહાનગરોમાં નાઇટ કફર્યુ ચાલુ છે અને અનેક એસોસીએશનો પણ સ્વૈચ્છીક લોકડાઉન તરફ હકારાત્મક વલણ અપનાવી રહયા છે ત્યારે હવે સરકાર કયારે લોકડાઉન અને કફર્યુનો નિર્ણય જાહેર કરે તે જોવાનું રહયું.

(4:19 pm IST)