Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોનાનો નવો સ્ટ્રેઇન બાળકો માટે બની રહ્યો છે ઘાતક! કેવા હોય છે લક્ષણો?

નવી દિલ્હી, તા.૬: ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં તો મોટાભાગે મોટા લોકોમાં જ સંક્રમણ થતા હતા પરંતુ બીજી લહેર બાળકોને પણ છોડી નથી રહી. રાજયના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. ત્યારે સુરતમાં તો ૧૩ વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો છે. સુરતના આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. બાળકને સારવાર માટે દાખલ કર્યાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું. આ પહેલા વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા. હાલ અમદાવાદ સિવિલમાં પણ ૮ જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જેમાં બેથી ત્રણ બાળકો ગંભીર છે. જેના કારણે હાલ ગુજરાતીઓમાં એક મોટી ચિંતા વ્યાપી રહી છે કે, બાળકોને કોરોના સંક્રમણથી કઇ રીતે બચાવી શકાય. તેમનામાં કોરોનાના કેવા લક્ષણો દેખાય છે.

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડા ડો. શીલા ઐય્યરે આ અંગે જણાવ્યું હતું કે, 'બાળકોમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ ૫ થી ૬ કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય. હાલ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સાવચેતીની જરૂર છે. બાળકોના કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં દ્યરનાં સભ્યો સંક્રમિત થયા હોય અને બાળકો વધુ દ્યરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો પણ સામેલ છે.

આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે, 'આપણે જોઈ રહ્યાં છે કે, નવજાત બાળકો પણ કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા ડિલીવરી સમયે જો કોવિડ પોઝિટીવ હોય તો ચાન્સીસ હોય છે કે, બાળકો પણ કોવિડ પોઝિટીવ આવી શકે.

પરંતુ એક વાત અહીં આપણે ધ્યાનમાં રાખવાની છે કે, માતા પોઝિટિવ હોય કે બાળક કોવિડ પોઝિટિવ હોય પરંતુ માતાનું દૂધ બાળકને આપવું જરૂરી છે. તેમાં કોઇ સમસ્યા નથી. રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, બ્રેસ્ટ મિલ્કથી કયારેય કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ નથી. એટલે નવજાત બાળક કોવિડ નેગેટિવ હોય અને માતા પોઝિટિવ હોય તો પણ માતાનું દૂધ બાળકને આપવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું છે તેમને આ સંક્રમણ ઘરના મોટા સભ્યોથી મળી રહ્યું છે. જે લોકો બહાર જઇ રહ્યાં છે તે લોકો સુપર સ્પ્રેડર બની રહ્યાં છે અને બાળકોને આ સંક્રમણ આપી રહ્યાં છે. બાળકોમાં મોટાભાગે તાવ આવવો, ઝાડા - ઉલટી થવી આવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આવા લક્ષણો દેખાયતો ડોકટરની સલાહ મુજબ જ સારવાર કરવી જોઇએ નહીં તો બાળકોની હાલત ગંભીર થઇ શકે છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે કોરોનાનું સંક્રમણ ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફેલાઈ રહ્યું છે તો બાળકોને ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ છે. બાળકોને વગર કામે બહાર ન લઇ જાવ. કોરોનાનો નવો સ્ટ્રેન દ્યાતક પુરવાર થઈ શકે છે.

પહેલાના કોરોનાથી બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે થતા હતા.

શરદી-ખાંસી, નાકમાંથી પાણી આવવું, તાવ આવવો, જયારે નવા સ્ટ્રેઇનને કારણે બાળકોમાં લક્ષણો બદલાયા છે, જે પ્રમાણે, ઝાડા-ઉલટી અને તાવ હોય, પેટને લગતી તકલીફ થવી,શ્વાસ લેવાની તકલીફ

કોરોના વાઇરસના કેસ ફરીથી વધી રહ્યાં છે ત્યારે કેટલીક વેકિસન કંપનીઓએ બાળકો પર કોરોના વેકિસનની ટ્રાયલ શરુ કરી દીધી છે. આ અંગે ફાઇઝરે જાહેરાત કરી કે હતી કે, તેમણે બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરુ કરી નાંખી છે અને ટ્રાયલમાં સામેલ બાળકોએ વેકિસનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે. ત્રણ તબક્કામાં ટ્રાયલ હાથ ધરવામાં આવશે. આ સાથે યુકેમાં ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ ૬-૧૭ વર્ષનાં બાળકો પર વેકિસનનો ટ્રાયલ કર્યો છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત જોનસન એન્ડ જોન્સન અને નોવાવેકસએ પણ જાહેરાત કરી છે કે, તેઓ નજીકના ભવિષ્યમાં બાળકો પર પોતાની રસીની ટ્રાયલ શરુ કરશે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં પણ બાળકોમાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. માર્ચમાં લગભગ ૬ લાખના કોરોના કેસના વધારા સાથે ૧૫,૦૦૦થી વધુ કોરોના સંક્રમણના કિસ્સાઓમાં ૧૦ વર્ષના બાળકો સામે આવ્યા હતા. જયારે પ્રદેશમાં ૫૦,૦૦૦ કિસ્સાઓમાં ૧૧ થી૨૦ વર્ષના સંક્રમિત થયા હતા. આ આંકડાઓ પણ ઘણાં ચિંતાજનક છે. બેંગાલુરુમાં ૪૩૦ બાળકો કોરોના સંક્રમિત થયા હતા.

(3:21 pm IST)