Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અટલજીએ એક વોટથી સરકાર પડવા દીધી પણ નિયમો સાથે સમજુતી ન કરેલઃ નરેન્દ્રભાઈ

ભાજપના સ્થાપના દિવસ અવસરે પીએમ મોદીએ CAAથી લઈને કૃષિ કાયદા સુધી તમામ મુદ્દાઓ પર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદીએ આજે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ માત્ર ચૂંટણી જીતવાની મશીન નથી, અમને દરેક સંપ્રદાયમાંથી સમર્થન મળી રહ્યું છે.

PM મોદીએ કહ્યું કે CAA-કૃષિ કાયદા પર લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે. આ બધા પાછળ એક ષડયંત્ર છે અને રાજકીય અસ્થિરતા પેદા કરવાનું લક્ષ્ય છે.

પીએમ મોદીએ કહ્યું કે જે પાર્ટીઓએ સેક્યુલરીઝમનું માસ્ક પહેર્યું હતું તે હવે ઉતરી ગયું છે. અહિયાં સેક્યુલરીઝમનો અર્થ થાય છે, માત્ર અમુક લોકો માટે જ યોજનાઓ, વૉટબેંક માટે જ યોજના બનાવવી. જે બધા માટે યોજના અને નીતિ બનાવે તેમને આ લોકો કમ્યુનલ કહે છે.

પીએમ મોદીએ કહ્યું કે કહેવામાં આવી રહ્યું છે કે નાગરિકતા લઈ લેવામાં આવશે, બંધારણ બદલી નાંખવામાં આવશે અને ખેડૂતોની જમીન પણ ઝૂંટવી લેવામાં આવશે. કેટલાક ભાજપ સાથે દુશ્મનીના નામે આ બધુ કરી રહ્યા છે. ભાજપના દરેક કાર્યકર્તાઓએ સતર્ક રહેવાની જરૂર છે અને લોકોને પણ સાવધાન કરવાની જરૂર છે.

પીએમ મોદીએ કહ્યું કે ભાજપ ચૂંટણી જીતી જાય તો કહેવામાં આવે છે કે ભાજપ ચૂંટણી જીતવાની મશીન છે. જૉ કોઈ પાર્ટી ચૂંટણી જીતી જાય તો વાહવાહી કરવામાં આવે છે. આવા લોકો ભારતના લોકોની આશા નથી વાંચી શકતા. અમે સરકારમાં રહીએ કે વિપક્ષમાં અમે હંમેશા જનતા સાથે જોડાયેલા રહીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે વ્યકિતથી મોટો દળ અને દળથી મોટો દેશ છે. એક સમય હતો જ્યારે અટલજીએ એક વોટથી સરકાર પડવા દીધી પણ નિયમો સાથે સમજૂતી ન કરી.

પીએમ મોદીએ કહ્યું કે જે ભાજપના વિરોધી છે તેમનું પણ અમે સન્માન કરીએ છીએ. આજે દેશમાં જેના પગમાં પહેરવા જૂતાં નથી તેમને પણ પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. ભારત સરકારે જે કામ કર્યું છે તે ઐતિહાસિક છે.

(3:21 pm IST)