Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ચૂંટણી પ્રચારમાં પશ્ચિમ બંગાળ જેવી અરાજકતા બીજે કયાંય નથી : ગુજરાતનાં ભાજપના કાર્યકરોનો મત

ગુજરાત ભાજપનું સંગઠન અને કાર્યકર્તાઓ દાયકાઓથી બુથ લેવલ મેનેજમેન્ટ અને પ્રચાર અભિયાનનાં વિવિધ તબક્કાઓમાં કાબેલ

રાજકોટ,તા. ૬: દેશભરમાં અત્યારે વકરી રહેલી કોરોના મહામારીને સમાંતર પ. બંગાળની ચૂંટણી પણ એટલી જ ચર્ચાસ્પદ છે. મમતા દીદીના અડીખમ શાસન સામે 'પરિવર્તન'ની અહાલેક સાથે ભાજપે કરેલા આક્રમક પ્રચારમાં ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ મહિનાઓથી બંગાળની ભૂમિ ખૂંદી રહ્યા છે. આરંભિક તબક્કાઓમાં ભારે ઊંચા મતદાન પછી પ. બંગાળ વિધાનસભાની ચૂંટણી હવે જયારે નિર્ણાયક સ્તરે પ્રવેશી છે ત્યારે દિવ્યભાસ્કરએ પ. બંગાળમાં કાર્યરત ગુજરાતી નેતાઓ, કાર્યકરોની સાથે વાતચીત કરીને ત્યાંની ચૂંટણીપ્રક્રિયા, લોકોના મિજાજ અને માહોલ વિશે વિગતો મેળવી હતી. ગુજરાતના કાર્યકરો સ્થાનિકોની સાથે ખભેખભા મિલાવીને ચૂંટણી કામગીરી કરે છે. પોતે શીખવવા માટે નહિ, પણ મદદ માટે આવ્યા હોવાનું ફીલ કરાવે છે.

સંગઠનની દૃષ્ટિએ દેશના સૌથી મોટા પક્ષ તરીકે ભાજપની એ કાયમી પરંપરા રહી છે કે દરેક મહત્ત્વની રાજકીય દ્યટના કે ચૂંટણી વખતે એક પ્રાંતના નેતાઓ, કાર્યકરો બીજા પ્રાંતમાં જતા હોય છે. ગુજરાતની ચૂંટણીઓમાં પણ અન્ય પ્રાંતથી કાર્યકરો આવે છે. ગુજરાત ભાજપનું સંગઠન અને કાર્યકર્તાઓ દાયકાઓથી બૂથ લેવલ મેનેજમેન્ટ અને પ્રચાર અભિયાનના વિવિધ તબક્કાઓમાં કાબેલ મનાય છે, આથી વિવિધ પ્રાંતોની ચૂંટણીમાં સ્થાનિક સંગઠનો પણ સામેથી ગુજરાતના કાર્યકર્તાઓનો આગ્રહ રાખતા હોય છે. હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ગુજરાતના નેતાઓ, કાર્યકરોએ સક્રિય યોગદાન આપ્યું હતું. બંગાળમાં પણ અમે મહિનાઓથી અનેકવિધ કામગીરીમાં જુસ્સાપૂર્વક ભાગ લઈ રહ્યા છીએ.

મતદાનમથકને અહીં શકિતકેન્દ્ર કહે છે. અમે દરેક શકિતકેન્દ્રને વિવિધ બૂથમાં અને દરેક બૂથને વિભિન્ન વિસ્તારમાં વહેંચ્યું. વિસ્તારોને ગુજરાતની હવે તો જાણીતી બની ગયેલી પેજ સમિતિ, પેજપ્રમુખ યોજનામાં લાવ્યાં અને એ પ્રમાણે સ્થાનિક કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપી. એક મતદાનમથક હોય ત્યાં ચાર કાર્યકર્તા મથકની જવાબદારી સંભાળે. આઠ કાર્યકર્તા મતદારોને સ્લિપ શોધી આપવામાં મદદરૂપ થાય અને એ સિવાયનું બહુ મોટું જૂથ પેજપ્રમુખો સાથે સંપર્કમાં રહીને મતદારોને મતદાન મથક સુધી લાવવાની કામગીરી નિભાવે. આ વ્યવસ્થા અમે સ્થાનિક કાર્યકર્તાઓને શીખવી છે. એક તબક્કે ભાજપના ઉમેદવારોને પૂરતા કાર્યકર્તા મળતા ન હતા. આજે સ્થિતિ એવી છે કે દરેક મતદાન મથકદીઠ ૨૫ કાર્યકર્તાની નામ, નંબર સહિતની યાદી તૈયાર થઈ ચૂકી છે અને સૌ એક ટીમ બનીને જોશભેર કામે લાગી ચૂકયા છે.

સ્થાનિક ભૂગોળની જાણકારીના અભાવે તેમજ સ્થાનિક સમીકરણોથી અજાણ હોવાને લીધે સક્રિય પ્રચારમાં અમારી સામેલગીરી મર્યાદિત હોય છે, પરંતુ અમારું મુખ્ય ધ્યાન પ્રચાર અભિયાનના વિવિધ સ્તરના કાર્યક્રમો તૈયાર કરવા સંબંધિત હોય છે. દરેક વિસ્તારની પોતપોતાની પરંપરા હોય. અમે પહેલા તો એ સમજીએ છીએ, પછી તેને અનુરૂપ કાર્યક્રમ દ્યડીએ. હૈદરાબાદમાં અમે પબ્લિક જે સ્થળોએ મોટી સંખ્યામાં એકત્રિત થતી હોય એવા હેન્ગઆઉટ્સ પસંદ કરીને ત્યાં પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. બંગાળની જરૂરિયાત અલગ છે. અહીં એ પ્રમાણે આયોજન કરીને સ્થાનિક નેતાઓને અમે માર્ગદર્શન આપીએ કે મદદરૂપ થઈએ છીએ. સ્થાનિક ઉમેદવાર પાસે કાર્યકર્તા, ફંડ, વિવિધ સંગઠનોના સમર્થન સહિતના જે કંઈ રિસોર્સીઝ હોય એનો પર્ફેકટ ઉપયોગ થાય અને ખૂટતા રિસોર્સીઝ ઊભા થાય એમાં મદદરૂપ થવાની અમારી મુખ્ય ભૂમિકા હોય છે. સ્થાનિક જરૂરિયાત મુજબની રણનીતિ ઘડવી, મુદ્દાઓ પસંદ કરવા વ.માં અમે માર્ગદર્શન આપીએ છીએ. અમે ગુજરાતથી આવ્યા એટલે સ્થાનિકોના સુપિરિયર નથી બની જતા, પરંતુ તેમના મદદગાર તરીકે વર્તીએ છીએ, એટલે જ ગુજરાતથી આવેલા કાર્યકરો અહીં બહુ જ લોકપ્રિય બન્યા છે. ભાષાનો પ્રશ્ન પણ અમને બહુ નડતો નથી. મોટા ભાગના લોકો ભાંગ્યું-તૂટ્યું હિન્દી સમજે છે અને હિન્દી જાણનારા સ્થાનિક નેતાઓ પણ અમારી વાત સ્થાનિકોને સમજાવવા માટે સતત સાથે જ રહેતા હોય છે. બંગાળની પ્રજા રાજકીય વિચારધારા અંગે બહુ જ સ્પષ્ટ, જાગ્રત અને સભાન હોય છે.

બંગાળી પ્રજા દેખીતી રીતે કદાચ ગુજરાતીઓ જેટલી સમૃદ્ઘ કે પોલિશ્ડ ન લાગે, પરંતુ તેમની રાજકીય સૂઝ બહુ જ સારી છે. સાવ છેવાડાનો મતદાર પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ, નેતાઓ, રાજકીય પક્ષોની પોલિસીથી વાકેફ હોય છે. અહીં પોલીસદમન અને સરકારી તંત્રની મનમાની એટલી બધી છે કે ગુજરાતથી આવેલા ભાજપના કાર્યકર્તાઓને રહેવા માટે હોટલ સુધ્ધાં કોઈ આપતું નથી. અમે એક મકાન ભાડે રાખ્યું અને બીજા દિવસે પ્રચારમાં ફરીને રાત્રે પાછા આવ્યા ત્યારે ખબર પડી કે પોલીસ આવીને અમારો સામાન લઈ ગઈ છે અને મકાનમાલિક હવે ખાલી કરવાનું કહે છે. નાછૂટકે ભાજપના સ્થાનિક સાંસદની દરમિયાનગીરીથી અમને અમારો સામાન મળ્યો હતો. અમે કોઈપણ વાહનમાં બેસતાં પહેલાં બરાબર ચેક કરી લઈએ છીએ કે વાહનમાં અગાઉથી કશીક વાંધાજનક ચીજવસ્તુ તો મૂકેલી નથી ને? કારણ કે આ તરકીબથી ભાજપના સંખ્યાબંધ કાર્યકર્તાઓને ડ્રગ્ઝ ટ્રાફિકિંગથી માંડીને કંઈક ગંભીર ગુનાઓમાં ફસાવી દેવાયા છે.

હિંસક અથડામણ તો અહીં સાવ સામાન્ય ગણાય છે. એકેય ચૂંટણી સભા એવી નથી જતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા ન થયા હોય. અમે અનેક રાજયોમાં ચૂંટણીપ્રચાર અને કાર્યકર્તા પ્રશિક્ષણ કામગીરી કરી છે, પરંતુ બંગાળ જેવી હિંસક, અરાજક અને કટ્ટર સ્થિતિ બીજા એકપણ પ્રાંતમાં જોઈ નથી. આ વાતાવરણ જોયા પછી લાગે કે ગુજરાત તો ખરેખર સ્વર્ગ છે. ચૂંટણીપ્રચારમાં હિંસા અને પોલીસદમનનો આટલો અતિરેક ગુજરાતના કાર્યકરોએ અન્ય એકેય પ્રાંતમાં નથી જોયો.

૨૨ એપ્રિલે જયાં મતદાન યોજાવાનું છે એ ૨૪ પરગણા વિસ્તારમાં અમારી કામગીરી મુખ્ય રહી છે. મતુઆ સમાજ અહીં ૩૦ જેટલી બેઠકો પર પ્રભાવ ધરાવે છે. મતુઆ સમાજના ધાર્મિક નેતા શાંતનુ ઠાકુર ભાજપના સાંસદ છે. અહીં સ્થાનિક મતદારો વડાપ્રધાન મોદીથી બેહદ પ્રભાવિત અને આશાવાદી છે.

મતુઆ સમાજની બીજી ધર્મગાદી બાંગ્લાદેશમાં આવેલી છે, જે ઠાકુરનગરથી ૧૦૦ કિલોમીટર જ દૂર છે અને હાલમાં જ વડાપ્રધાને બાંગ્લાદેશની મુલાકાત વખતે ત્યાં જઈને દર્શન કર્યાં હતાં. આ બેલ્ટમાં ચોક્કસપણે ભાજપને તગડો ફાયદો થશે.

(3:25 pm IST)