Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

આગામી ચાર અઠવાડિયા ઘણા ક્રિટિકલ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું નિવેદન

કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવા લોકોની ભાગીદારી જરૂરી:પંજાબ અને છત્તીસગઢથી આવી રહેલા મોતના આંકડા વધુ ચિંતાજનક

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કેસ સામે આવ્યા છે અને 13 રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારની પાર થઇ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા 10 જિલ્લામાંથી સાત જિલ્લા મહારાષ્ટ્ર અને એક એક કર્ણાટક, છત્તીસગઢ અને દિલ્હીના છે. કેન્દ્રએ કહ્યુ કે આગામી ચાર અઠવાડિયા ઘણા ક્રિટિકલ છે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યુ કે મહામારીની બીજી લહેરને નિયંત્રણમાં લાવવા માટે લોકોની ભાગીદારી ઘણી જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ, “પંજાબ અને છત્તીસગઢથી આવી રહેલા મોતના આંકડા વધુ ચિંતાજનક છે. દેશના કુલ સક્રિય કેસમાંથી 58 ટકા મહારાષ્ટ્રના છે. કુલ મોતના 34 ટકા મહારાષ્ટ્રમાં રિપોર્ટ થયા છે.

છત્તીસગઢ અમારી માટે ચિતાનો વિષય છે. નાનુ રાજ્ય હોવા છતા ત્યાથી કુલ કોવિડ કેસના 6 ટકા અને કુલ મોતના 3 ટકા આવી રહ્યા છે. બીજી લહેરમાં રાજ્યની સ્થિતિ બગડી ગઇ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે પંજાબમાં આશરે 4.5% કોવિડ મોત સામે આવી રહી છે. ભૂષણે કહ્યુ, પંજાબના મુકાબલે દિલ્હી અને હરિયાણામાં સક્રિય કેસ અને મોતનો આંકડો ઘણો ઓછો છે. આ સંતોષજનક છે કે પંજાબમાં RT-PCR ટેસ્ટ રોજના એવરેજ 76 ટકા સુધી વધારી દેવામાં આવ્યુ છે.

ભૂષણે જણાવ્યુ કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં 50 ઉચ્ચ સ્તરીય ટીમ મોકલવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ, આ ટીમ મહારાષ્ટ્રના 30, પંજાબના 9 અને છત્તીસગઢના 11 જિલ્લામાં જશે. નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પોલે કહ્યુ કે દેશમાં મહામારીનો પ્રભાવ વધી ગયો છે. ડૉ પોલે કહ્યુ, ચેતવણી આપવામાં આવી હતી કે સ્થિતિને નબળાઇમાં ના લો. મહામારીની સ્થિતિ બગડી ગઇ છે અને કોવિડ કેસની ઝડપ વધી ગઇ છે. અમે હજુ પણ મહામારી પર નિયંત્રણ મેળવી શકીએ છીએ. બીજી લહેર કાબુ કરવામાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. આગામી ચાર અઠવાડિયા અમારી માટે ક્રિટિકલ છે.

દેશમાં સતત માંગ ઉઠી રહી છે કે કોરોના વેક્સીનેશન માટે લાગુ વય મર્યાદાને હટાવી દેવામાં આવે. 5 એપ્રિલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને આ સીમાને હટાવવાની અપીલ કરી હતી

(8:55 pm IST)