Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીઓ ઠાર : એક આતંકી સુરક્ષાદળોના શરણે

કનિગામમાં, આંતકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો હતો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે. જ્યારે એક આતંકવાદીએ સુરક્ષાદળો સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. એન્કાઉન્ટરની વચ્ચે શરણે થનારા આતંકવાદીનુ નામ તૌસિફ અહેમદ તરીકે જણાવવામાં આવી રહ્યું છે. સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યા અનુસાર, શોપિયાન જિલ્લામાં જે સ્થળે એન્કાઉન્ટર થયુ છે ત્યાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આજે 6 મેને ગુરુવારની વહેલી સવારે અધિકારીક સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શોપિયના કનિગામમાં, આંતકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો હતો. ધેરો નાખેલા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ ક્યા છુપાયા છે તેની ચોક્કસ વિગતો સામે આવતા, સુરક્ષાદળોએ એટલા વિસ્તાર પૂરતો ઘેરો કિલ્લેબંધીમમાં ફેરવી નાખ્યો હતો.

આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે બાતમી આપી હતી કે શોપિયનમાં સુરક્ષાદળોએ જે સ્થળે એન્કાઉન્ટર કર્યુ છે તે અલ બદર નામના નવા આતંકી સંગઠનમાં નવા ભરતી પામેલા ચાર સ્થાનિક આતંકવાદીઓ છુપાયા છે. જેઓને હથિયાર મૂકીને શરણાગતિ સ્વીકારી લેવાનો પોલીસે પ્રયાસ આદર્યો હતો. જો કે તેમા સફળતા ના મળતા, આખરે સુરક્ષાદળોએ, આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

ગયા મહિને સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન અલ બદરના એક આતંકવાદીની ધરપકડ કરી હતી, જેની પાસેના ઘાતક હથિયારો અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. પકડાયેલા આતંકવાદીની ઓળખ ગુલઝાર અહેમદ ભટ, અનંતનાગના બાથપોરા અરવાનીના રહેવાસી તરીકે થઈ હતી.

(9:52 am IST)