Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

છેલ્લા ૧૫ મહિનામાં સરકારના ૮ મોટા દાવા પણ હકીકતમાં છીંડા

ઓકસીજન, બેડ, થર્મલ સ્ક્રીનીંગ, ઈન્જેકશન વગેરેના મામલે સરકારે મોટા મોટા દાવા કર્યા આમ છતા કોરોના ફુંફાડો મારતો રહ્યો : સરકારના દાવા અને હકીકત અંગે રસપ્રદ વિશ્લેષણઃ સરકારના દાવાની પોલ ખોલતો અહેવાલ

નવી દિલ્હી, તા. ૬ :. છેલ્લા ૧૫ મહિનાથી દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આ મહામારીને રોકવા માટે પહેલા દિવસથી લઈને અત્યાર સુધી સરકારોએ મોટા મોટા દાવા કર્યા છે. સરકારોએ હોસ્પીટલોમાં બેડની ઉપલબ્ધતા, ઓકિસજન, ટેસ્ટીંગ, વિદેશથી આવનારાઓનુ ચેકીંગ વગેરેને લઈને મોટા મોટા દાવાઓ કર્યા હતા. હાલમાં જ અધિકારીઓએ કહ્યુ છે કે દેશના કેટલાક ભાગોમાં મહામારીની બીજી લહેર ઘટવાના સંકેતો મળ્યા છે. કહેવાય છે કે ૩૦ એપ્રિલે સૌથી વધુ દર્દીઓ મળ્યા હતા. તે પછી કેસ ઘટવા લાગ્યા છે જ્યારે હકીકત એ છે કે ટેસ્ટીંગમાં જ ૩ થી ૪ લાખની કમી કરી દેવામાં આવી. સરકારના આવા જ દાવાઓ અને હકીકત અંગે રસપ્રદ માહિતી નીચે મુજબ છે.

(૧) એક પણ મામલો નથી હકીકતઃ માર્ચમાં લોકડાઉન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે દેશમાં કોરોના વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી. આમ છતા સાવચેતીના પગલા રૂપે રાજ્યોને સ્વાસ્થ્ય સંશાધનોની તૈયારી કરવાના નિર્દેશો અપાયા છે. ૧૭થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ સુધી મંત્રાલયની પ્રેસ યાદીમાં વારંવાર દાવો કરવામાં આવ્યો પરંતુ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ એક જ દિવસમાં ૫૦૦ કેસ મળ્યા તો લોકડાઉન ઝીંકવુ પડયું કે જેથી ઈલાજ માટે સંશાધનો તૈયાર થઈ શકે.

(૨) વિદેશથી આવનારાઓનું સ્ક્રીનીંગ હકીકતઃ પેરાસીટામોલ ખાઈને ઘરે પહોંચ્યા

૨ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી દેશમાં કોરોનાના ૩ કેસ આવ્યા હતા. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ હતુ કે વિદેશથી આવતા લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે. કોઈપણ લક્ષણ જોવા મળે તો તેઓને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે બિમારી ભારતમાં ન પ્રવેશે. આમ છતા ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં જાણવા મળ્યુ કે લોકો પેરાસીટામોલ ખાઈને થર્મલ સ્ક્રીનીંગથી બચી નિકળી ગયા. સ્વદેશ પહોંચેલા લોકો પોતાના શહેર અને ગામમા પહોેંચી ગયા.

(૩) મે સુધી ઘટી જશે પીક હકીકતઃ સપ્ટેમ્બર સુધી ખેંચાયું

નીતિ આયોગના સભ્ય ડો. પોલએ દાવો કર્યો હતો કે કોરોનાની પહેલી પીક ૧૬ મેથી શરૂ થશે. બાદમાં તેમણે પોતાના દાવા પર સ્પષ્ટતા પણ કરી. જ્યારે મામલાએ રાજકીય તોફાન ઉભુ કર્યુ પરંતુ હકીકતમાં પ્રથમ પીક ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે નોંધાયુ હતું.

(૪) ઓકસીજનની અછત નથી હકીકતઃ ચારેય તરફ અછત-હાહાકાર

પહેલા સરકાર દાવા કરતી હતી કે ઓકસીજનની અછત નહિ સર્જાય. ગ્રીન કોરીડોર વગેરેના આદેશો પણ અપાયા. આમ છતા આજે ઓકસીજનની દેશભરમાં અછત છે અને અનેક દર્દીઓના તેના અભાવથી મોત થયા છે.

(૫) ફેબ્રુઆરીમાં કેસ ઘટી જશે હકીકતઃ સક્રીય કેસમાં વધારો

કેન્દ્રના નિષ્ણાંતોએ દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી ૨૧ સુધીમાં દેશમાં સક્રીય કેસ ૨૦,૦૦૦થી પણ ઓછા થઈ જશે પરંતુ વાસ્તવમાં આવુ નથી થયું. જો કે આ સુપર મોડેલમાં એવુ પણ કહેવાયુ કે દેશની ૭૦ ટકાથી વધુ વસ્તી સંક્રમણના ખતરામાં છે.

(૬) સામુદાયીક પ્રસાર નહિ હકીકતઃ સમગ્ર દેશ સિકંજામાં

લગભગ ૮ મહિનાથી સરકાર કોરોના વાયરસના દેશમાં સામુદાયીક પ્રસાર હોવાનો ઈન્કાર કરી રહી છે. હજુ બીજી લહેરમાં કોઈપણ અધિકારી આ વિષય પર વાત નથી કરતા પરંતુ મંત્રાલયના આંકડા જણાવે છે કે દેશમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રીય દર્દીઓ છે.

(૭) દેશમાં પુરતા બેડ છે હકીકતઃ ઠેર ઠેર લાઈનો લાગે છે

માર્ચમાં મંત્રી સમુહની બેઠક થઈ હતી. જેમા દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં પુરતા બેડ છે અને ઈલાજની સમસ્યા નથી. પરંતુ એપ્રિલથી જ દેશના મોટાભાગના રાજ્યોમાં બેડનું સંકટ શરૂ થયું. લોકોના મોત સમયસર સારવાર ન મળવાને કારણે થવા લાગ્યા. ઠેર ઠેર બેડની અછત ઉભી થઈ.

(૮) કેસ ઓછા થઈ રહ્યા છે હકીકતઃ તપાસમાં ઘટાડો

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ હાલમાં જ દાવો કર્યો હતો કે દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં નવા કેસ ઘટી રહ્યા છે. બીજી તરફ કોરોનાની ઘટતી તપાસ પર તેઓએ મૌન સેવ્યું. અનેક રાજ્યોમાં ટેસ્ટીંગ જાણી જોઈને ઘટાડવામાં આવ્યું.

(10:30 am IST)