Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

દેશવાસીઓની માઠી બેઠી

પેટ્રોલમાં ૫ રૂપિયા અને ડીઝલમાં થશે ૩ રૂપિયાનો તોતિંગ વધારો

નવી દિલ્હી, તા.૬: પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો ચાલુ જ છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીકાઈ રહ્યો છે. આ વધારા બાદ દેશના કેટલાય શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો હતો. આ તમામ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, આવનારા સમયમાં પેટ્રોલની કિંમતોમાં ૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાનો છે.

ક્રેડિટ સઈસના રિપોર્ટમાં કહેવાયુ છે કે, જો પેટ્રોલિયમ કંપની પોતાના નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે, તો આગામી દિવસોમાં ૫.૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૩ રૂપિયા મોંધુ થવાનું છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના વધતા ભાવોના કારણે તેલ કંપનીઓ માર્કેટિંગ માર્જિન પર સુધારામાં ધ્યાન આપશે. જો તેલ કંપનીઓ પોતાનું માર્જિન ૨૦૧૯-૨૦ના સ્તરે બનાવી રાખશે, તો ડીઝલની કિંમતમાં ૨.૮ થી ૩ રૂપિયા સુધી વધારો અને પેટ્રોલમાં ૫.૫ રૂપિયાનો વધારો કરી શકે છે.

પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૮ દિવસના વિરામ પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગઇકાલથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૧૯ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૨૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ દેશની રાજધાનીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૦.૭૪ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૧.૧૨ રૂપિયા થઇ ગયો છે. દેર રાજયમાં વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભિન્ન ભિન્ન જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે એક લિટર પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

ભારતમાં કોરોનાના કેસો વધ્યા હોવા છતાં અમેરિકા સહિતના પશ્યિમના દેશોમાં મજબૂત માગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે. જેના પગલે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડી છે.

૨૭ એપ્રિલથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યાં છે અને હાલમાં એક બેરલનોૌ ભાવ ૬૫ ડોલર થઇ ગયો છે.

ગયા વર્ષે માર્ચમાં સરકારે પેટ્રોલ અને ડીઝલની એકસાઇઝ  ડયુટી વધારી ત્યારથી લઇને અત્યાર સુધી સરકારી ઓઇલ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલે પેટ્રોલમાં કુલ ૨૧.૫૮ રૂપિયા અને ડીઝલમાં કુલ ૧૯.૧૮ રૂપિયાનો વધારો કર્યો છે. આજના વધારા પછી મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૭.૧૨ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૮.૧૯ રૂપિયા થઇ ગયો છે.

(3:50 pm IST)